
જૂનાગઢ, 07 માર્ચ (હિ.સ.) : મહાશિવરાત્રી મેળાને સફળ માટે પ્રત્યક્ષ અને પરોક્ષરૂપે જેમનો પણ સહયોગ મળ્યો છે તેના ઋણ સ્વીકારના ઉપક્રમમાં જિલ્લા વહીવટી તંત્રના વડા તરીકે જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ પદાધિકારીઓ, ઉતારા મંડળ, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારઓ અને આ સાથે જ મેળાને સ્વચ્છ અને સુઘડ રાખવામાં જેમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે તેવા સફાઈ કર્મીઓને સન્માન પત્ર એનાયત કરી બહુમાન કર્યું હતું. આ સાથે જૂનાગઢના પદાધિકારીઓનો આભાર માની આ મેળાને આગામી સમયમાં વધુને વધુ ભવ્ય બનાવવા નેમ રાખવામાં આવી હતી.
કલેક્ટરએ મહાશિવરાત્રીના મેળાને સફળતા અપાવવા યોગદાન આપનાર સાધુ સંતો સહિત સૌ કોઈની નોંધ લઇ આભાર પ્રગટ કરતા જણાવ્યું હતું કે, જૂનાગઢ પાસે આધ્યાત્મિક, સાંસ્કૃતિક અદભુત વારસો રહેલો છે, ત્યારે જૂનાગઢને જે મહત્વ મળવું જોઈએ તે આ મહાશિવરાત્રીના મેળા થકી મળ્યું છે. તેનો આનંદ વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, આ મહાશિવરાત્રીના મેળામાં 'મેં' નહીં પરંતુ 'હમ' બનીને ટીમવર્ક થી કાર્ય થયું છે, તેથી જ કોઈ પણ પડકારજનક કામગીરી પણ સરળ થઈ જાય છે. પદાધિકારી, અધિકારી, ઉતારા મંડળ, મીડિયા સહિત સૌએ એકાકાર થઈને મહાશિવરાત્રીના મેળાને સફળ બનાવવા માટે પરિશ્રમ ઉઠાવ્યો છે. તેમણે પદાધિકારીઓના મહાશિવરાત્રીના મેળાના અનુભવો અને સૂચનોથી પણ મહાશિવરાત્રીના મેળાનું સુચારું આયોજન થઈ શક્યું છે. તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.
મહાશિવરાત્રીનો મેળો જૂનાગઢના સાંસ્કૃતિક વારસામાં મહત્વનું સ્થાન ધરાવે છે. રાજ્ય સરકારે તેની ગરિમામય ઉજવણીમાં તંત્રને જરૂરી આયોજનો અને વ્યવસ્થાઓ વધારવા પુરી છૂટ આપી અને મુખ્યમંત્રી , નાયબ મુખ્યમંત્રી તેમજ પ્રભારી અને સહ પ્રભારી મંત્રી સૌએ મેળાની ભવ્ય ઉજવણી થાય એ માટે સરકાર દ્વારા માર્ગદર્શન મળ્યું તે અંગે પણ આભાર સહ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે મહાશિવરાત્રીના મેળાને સફળ બનાવવા માટે પૂરતી મોકળાશ આપી હતી, સાથે જ જરૂરી મંજૂરીઓ પણ ત્વરિત આપવામાં આવી હતી. ઉપરાંત ભાવિકો માટે જરૂરી સુવિધાઓ અને વ્યવસ્થાઓ માટે પણ અનુદાન સહિતના સહયોગની નોંધ લીધી હતી.
જિલ્લા કલેકટરએ ઉમેર્યું કે, જૂનાગઢના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પણ પત્રકારઓનો પણ ખૂબ સહયોગ મળ્યો છે, મહાશિવરાત્રીના મેળાની દિવ્યતા અને ભવ્યતાને દેશ-વિદેશના ખૂણે ખૂણે અને જન-જન સુધી પહોંચાડી છે. મીડિયા દ્વારા સકારાત્મક કવરેજથી મહાશિવરાત્રીના મેળાની ખ્યાતિ વધુ વિસ્તારી છે. જિલ્લા કલેકટરશ્રીએ મીડિયાના સૂચનોને પણ મહત્વપૂર્ણ ગણાવ્યા હતા.
જિલ્લા કલેકટરએ ઉતારા મંડળની સેવાઓની સવિશેષ નોંધ લેતા જણાવ્યું હતું કે, મહાશિવરાત્રીના મેળામાં લાખો લોકો પધારતા હોય ત્યારે તેમને આટલી બધી સંખ્યામાં ભોજન કરાવવું તંત્ર માટે અશક્ય સમાન છે. પરંતુ વર્ષોથી સૌરાષ્ટ્રની આગવી સંસ્કૃતિ મુજબ મહાશિવરાત્રીના મેળામાં ઉતારા મંડળ - અન્નક્ષેત્રો દ્વારા જે ભાવ સાથે ભોજન કરાવવામાં આવે છે, તે અદ્વિતીય છે. અન્ન ક્ષેત્રોની સેવા બહુ મોટી છે. તેમણે સૌરાષ્ટ્રના આગવા આતિથ્ય ભાવને અનેરો ગણાવતા કહ્યું હતું કે, મહાશિવરાત્રીના મેળામાં ઉતારા મંડળ - અન્નક્ષેત્રો દ્વારા ભાવિકોને ગુણવત્તા સાથેની વિવિધતા પૂર્ણ ભોજન કરાવવામાં આવ્યું હતું.
જિલ્લા કલેક્ટરએ વધુમાં જણાવ્યું કે, મહાશિવરાત્રીના મેળો ગિરનાર લીલી પરિક્રમા માધ્યમથી ઘણા પરિવારોને રોજગારી મળી રહેતી હોય છે પરંતુ આ વર્ષે અનિવાર્ય સંજોગોના કારણે ગિરનાર લીલી પરિક્રમા યોજી શક્યા ન હતા, ત્યારે મહાશિવરાત્રીના મેળાના સફળ આયોજનથી લોકોને ધંધા રોજગારનો પણ ખૂબ સારો અવસર પ્રાપ્ત થયો છે.
તેમણે કહ્યું કે, ભાવિકોએ પણ ખૂબ આનંદપૂર્વક મહાશિવરાત્રીના મેળાને માણ્યો છે, વાહન વ્યવહાર ખૂબ સીમિત થવાથી ભાવિકોને ઘણી સરળતા પણ રહી હતી. ઉપરાંત લોકોએ સાંસ્કૃતિક કાર્યક્રમને પણ ખૂબ આનંદ ઉલ્લાસથી મળ્યો હતો. આમ, મહાશિવરાત્રીના મેળાને વધુ ઊંચાઈ પ્રાપ્ત થઈ છે. સફાઈ કર્મીઓને બિરદાવતા જણાવ્યું કે આ એક મોટું કાર્ય હતું અને તે સફાઈ કર્મીઓએ કર્યું છે. મેળા પછી પણ તેમની સેવા મહત્વની રહી છે. સ્વચ્છતાને કારણે ભાવિકો સારો સંદેશ લઈને ગયા છે.
પદાધિકારીઓએ પણ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, વહીવટી તંત્રના સર્વે અધિકારીઓએ મહાશિવરાત્રીના મેળામાં એક સાથે અને એક શૂરથી કામ કર્યું છે, જેથી આ અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત કરી શકાય છે, સાથે જ પરસ્પર સંકલનની પણ સરાહના કરી હતી.
જિલ્લા કલેકટરએ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના નેતા મનનભાઈ અભાણી, દંડક કલ્પેશભાઈ અજવાણી, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા, અગ્રણી પ્રદીપભાઈ ખીમાણી, અગ્રણી યોગીભાઈ પઢીયાર, શૈલેશભાઈ દવે સહિતના પદાધિકારીઓને આભાર સહ સન્માન પત્ર એનાયત કરી બહુમાન કર્યું હતું. પદાધિકારીઓએ પણ વહીવટી તંત્રના કાર્યોને સન્માનિત કર્યા હતા.આ ઉપરાંત જૂનાગઢના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારઓ, ઉતારા મંડળના હોદ્દેદારો તથા પ્રતિનિધિઓ અને સફાઈ કર્મીઓને સન્માન પત્ર અર્પણ કરીને બહુમાન કરવામાં આવ્યું હતું.
જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમરે પણ જિલ્લા કલેકટરનું વિશેષ બહુમાન કર્યું હતું
આ પ્રસંગે ઉતારા મંડળના હોદ્દેદારો પ્રતિનિધિઓએ પણ વહીવટી તંત્રના સહયોગ માટે જિલ્લા કલેકટર અનિલ કુમાર રાણાવસિયાનું પુષ્પગુચ્છ અને સાલ ઓઢાડી વિશેષ સન્માન કર્યું હતું. આ જ ઉપક્રમમાં મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, નિવાસી અધિક કલેકટર બી.એસ. બારડ અને પ્રાંત તથા મેળાધિકારી ચરણસિંહ ગોહિલનું પણ ઉતારા મંડળના હોદ્દેદારો- પ્રતિનિધિઓએ સન્માન કર્યું હતું. સાથો સાથ જિલ્લા કલેકટર અને વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ઉતારા મંડળના હોદ્દેદારો- પ્રતિનિધિ સર્વશ્રી પ્રવીણભાઈ સોજીત્રા, હરેશભાઈ ઠુંમર, ગોવિંદભાઈ વેગડ, મગનભાઈ સાવલિયા, કારાભાઈ સીંધલ, હરેશભાઈ ઘોડાસરા અને લાલજીભાઈ અમરેલીયા સહભાગી બન્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે કર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ