
જુનાગઢ 7 માર્ચ (હિ.સ.) સમગ્ર રાજ્યમાં દિવ્યાંગતા ધરાવતા નાગરિકો જેમ કે અંધ, મુક- બધિર, રક્તપિત, માનસિક ક્ષતિ ધરાવતા કર્મચારીઓ, સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યકિતઓ, તેમને કામે રાખતા નોકરી દાતાઓ તથા તેમને નોકરીમાં થાળે પાડવા વિશિષ્ટ કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફીસરઓ માટે રાજ્ય કક્ષાએ દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા- વર્ષ ૨૦૨૫ નું આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધામાં ભાગ લેવાના હેતુસર અરજી પત્રકનો નમુનો વેબસાઈટ https://anubandham.gujarat.gov.in/notice-board પરથી ડાઉનલોડ કરીને નિઃશુલ્ક મેળવી શકાશે. આ ઉપરાંત જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢ ખાતેથી વિનામુલ્યે અરજી પત્રક મેળવીને તેમાં સંપૂર્ણ વિગત ભરીને આ અરજી પત્રક સાથે શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, દિવ્યાંગતા માટેનું માન્ય તબીબી પ્રમાણપત્ર, પોલીસ વેરીફીકેશન પ્રમાણપત્ર અને અન્ય સંબંધિત તમામ દસ્તાવેજો, ખોડ ખાંપણ દર્શાવતા પોસ્ટકાર્ડ સાઈઝના ફોટોગ્રાફ બિડાણમાં સામેલ રાખવાના રહેશે.
તેમજ નોકરીદાતાઓ અને પ્લેસમેન્ટ ઓફીસર માટેના નિયત અરજી પત્રકમાં દર્શાવેલ કોલમ મુજબની પુરેપુરી વિગતો સાથે સંબંધિત જરૂરી બિડાણો અચુક સામેલ રાખીને બે નકલમાં જોડીને વ્યવસ્થિત રીતે દરખાસ્ત તૈયાર કરીને આગામી તારીખ ૩૦/૦૩/૨૦૨૬ સુધીમાં મળી જાય તે રીતે રૂબરૂ અથવા ટપાલ મારફત જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢને મોકલી આપવાના રહેશે.
આ અંગે વધુ માહિતી મેળવવા માટે અત્રેની કચેરીના સંપર્ક નંબર:-૦૨૮૫- ૨૬૨૦૧૩૯ પર અથવા જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢ ખાતે રૂબરૂ સંપર્ક સાધી શકાશે. તેમ જિલ્લા રોજગાર અધિકારી (સા.), જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ