
જામનગર, 07 માર્ચ (હિ.સ.) :
મિડલ ઈસ્ટમાં પ્રવર્તી રહેલી યુદ્ધની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતની દરિયાઈ સીમાઓ પર તકેદારી વધારી દેવામાં આવી છે. જામનગર જિલ્લા સહિતના સંવેદનશીલ સાગર કિનારાના વિસ્તારોમાં કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સુરક્ષા વ્યવસ્થા અત્યંત સુદ્રઢ બનાવવામાં આવી છે.
શાંતિના સમયમાં લેવાયેલી તકેદારી ભવિષ્યના સંકટોને ટાળવા માટે અમોઘ શસ્ત્ર સાબિત થાય છે, તેવા ઉદ્દેશ્ય સાથે મરીન કમાન્ડોની અલગ-અલગ ટીમો દ્વારા જામનગરના દરિયાકાંઠે સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. કમાન્ડો દ્વારા નવા-જૂના બેડી બંદર, રોજીબંદર, માધાપર અને જોડિયા ભુંગા જેવા વિસ્તારોમાં પગપાળા પેટ્રોલિંગ કરી તપાસ કરવામાં આવી રહી છે. દરિયાની અંદર શંકાસ્પદ બોટ અને વ્યક્તિઓની હિલચાલ પર નજર રાખવા માટે સતત બોટ પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. એરફોર્સની દરિયાઈ રેન્જ, ખારા બેરાજા અને સંભવિત 'લેન્ડિંગ પોઈન્ટ્સ' પર ખાસ વોચ રાખવામાં આવી રહી છે.
આ સમગ્ર સુરક્ષા ઓપરેશન એ.ટી.એસ. (ATS) અને કોસ્ટલ સિક્યુરિટીના એડિશનલ ડીજીપી અમિતકુમાર વિશ્વકર્મા, મરીન ટાસ્ક ફોર્સના આઈ.જી. પી. એલ. માલ અને હજીરાના એચ.ડી. એસ. જે. પરમારના સીધા માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવી રહ્યું છે. જામનગર સેક્ટરના પી.આઈ. ડી.આર. યાદવ અને તેમની કમાન્ડો ટીમે દરિયાકાંઠાની અવાવરું જગ્યાઓનું પણ ઝીણવટભર્યું ચેકિંગ કર્યું છે.
મરીન ટાસ્ક ફોર્સના જણાવ્યા અનુસાર, કોઈપણ કટોકટીના સમયે મુશ્કેલી ન પડે તે માટે સામાન્ય સ્થિતિ દરમિયાન કરવામાં આવતી આ કવાયત સૌથી વધુ અસરકારક સાબિત થાય છે. ફિશિંગ સેન્ટરો પર માછીમારોની પૂછપરછ અને શંકાસ્પદ જહાજોની તપાસ દ્વારા દરિયાઈ સુરક્ષા કવચને અભેદ્ય બનાવવાનો પ્રયાસ કરાયો છે
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt