છેવાડાના માનવી સુધી પહોંચ્યું શાસન: રેશનકાર્ડથી લઈને આધાર સુધીની તમામ સેવાઓ હવે તમારા ઉંબરે
ગાંધીનગર, 07 માર્ચ (હિ.સ.) : રાજ્ય સરકારના પ્રજાભિમુખ અભિગમ હેઠળ છેવાડાના માનવીને કચેરીઓના ધક્કા ખાધા વગર પારદર્શક અને ઝડપી વહીવટી સેવાઓ મળી રહે,તે હેતુથી ગાંધીનગર તાલુકાના સાદરા ગામે ''સેવા સેતુ'' કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વહીવ
છેવાડાના માનવી સુધી પહોંચ્યું શાસન


ગાંધીનગર, 07 માર્ચ (હિ.સ.) : રાજ્ય સરકારના પ્રજાભિમુખ અભિગમ હેઠળ છેવાડાના માનવીને કચેરીઓના ધક્કા ખાધા વગર પારદર્શક અને ઝડપી વહીવટી સેવાઓ મળી રહે,તે હેતુથી ગાંધીનગર તાલુકાના સાદરા ગામે 'સેવા સેતુ' કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્રને પ્રજાના દ્વારે લઈ જઈને પ્રશ્નોના સ્થળ પર જ નિકાલની આ વ્યવસ્થા ગ્રામીણ જનતા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય નાગરિકોને તેમના ઘર આંગણે જ વિવિધ સરકારી યોજનાઓ અને જરૂરી દસ્તાવેજોની સુવિધા ઉપલબ્ધ કરાવી તેમના સમય અને શક્તિનો બચાવ કરવાનો છે.

આ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગરના ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર જે.એન. વાઘેલાએ સાદરા ખાતે રૂબરૂ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે કાર્યક્રમને વધુ અસરકારક અને ગ્રામજનો માટે મહત્તમ લાભદાયી બનાવવા માટે ઉપસ્થિત સ્ટાફને જરૂરી સૂચનો કર્યા હતા. આ પ્રસંગે કલેક્ટરશ્રીના હસ્તે જરૂરિયાતમંદ લાભાર્થીઓને પોષણ કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

સેવા સેતુ શિબિરમાં પુરવઠા શાખાને લગતી સેવાઓ જેવી કે રેશનકાર્ડમાં નામ દાખલ કરવું, કમી કરવું કે સુધારો કરવો તેમજ રેશનકાર્ડ ધારકોની e-KYC જેવી કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત આવકના દાખલા, જાતિના દાખલા, નોન-ક્રિમિલેયર સર્ટિફિકેટ, નવા આધારકાર્ડ તેમજ આધાર સુધારણા, PMJAY કાર્ડ અને ઉંમરના દાખલા જેવી મહત્વની સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવાઈ હતી. આરોગ્ય ક્ષેત્રે બીપી-ડાયાબિટીસ તપાસ તથા વીમા અને બેન્કિંગ સેવાઓનો લાભ પણ ગ્રામજનોએ લીધો હતો.

સાદરા અને આસપાસના ગ્રામજનો પોતાના દસ્તાવેજોમાં જરૂરી સુધારા-વધારા ઘર આંગણે જ કરાવી શકે તે માટે વહીવટી તંત્ર દ્વારા સુચારુ આયોજન કરાયું હતું. આ તકે ગાંધીનગર મામલતદાર મહેશ ગોહિલ, ગાંધીનગર તાલુકા વિકાસ અધિકારી મલય ભુવા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહીને સેવારત રહ્યા હતા. અંદાજે ૧૦૦૦થી વધુ લાભાર્થીઓએ આ શિબિરનો ઉત્સાહપૂર્વક લાભ મેળવી વહીવટી તંત્રની આ કામગીરીને બિરદાવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande