સુરતના આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળતા ચકચાર
સુરત, 07 માર્ચ (હિ.સ.) : શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલા સણિયા કણદે રોડ પર સ્થિત આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિર પરિસરમાંથી બે યુવતીઓના મૃતદેહ મળતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. બંને યુવતીઓ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની હોવાનું સામે આવ્
ડીંડોલી વિસ્તારમાં આવેલા સણિયા કણદે રોડ પર સ્થિત આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિર file photo


સુરત, 07 માર્ચ (હિ.સ.) : શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલા સણિયા કણદે રોડ પર સ્થિત આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિર પરિસરમાંથી બે યુવતીઓના મૃતદેહ મળતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. બંને યુવતીઓ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ ઉધના સ્થિત સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી 18 વર્ષીય રોશની શરદ શિરસાઠ અને 20 વર્ષીય જોસના અતુલ ચૌધરી સવારે ઘરેથી કોલેજ જવાના કહીને નીકળી હતી. પરંતુ દિવસ દરમિયાન તેઓ ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતિત બની ગયા હતા. પરિવારજનોએ વારંવાર બંને યુવતીઓને ફોન કરવાનો પ્રયાસ કર્યો, છતાં તેઓ ફોન ન ઉપાડતા શંકા વધતી ગઈ હતી.

આ દરમિયાન શોધખોળ શરૂ કરવામાં આવી હતી. શોધખોળ દરમિયાન ડીંડોલી વિસ્તારમાં આવેલા આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બંને યુવતીઓના મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા ઘટનાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું.

ઘટનાની જાણ થતાં જ ડીંડોલી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે સ્થળની તપાસ કરી અને બંને યુવતીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. હાલ પોલીસે આ સમગ્ર બનાવ અંગે આકસ્મિક મોતનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

પ્રાથમિક તબક્કે આ ઘટના આત્મહત્યા છે કે કોઈ અન્ય કારણસર મોત થયું છે તે અંગે સ્પષ્ટતા થઈ નથી. પોલીસ દ્વારા યુવતીઓના પરિવારજનોના નિવેદન લેવામાં આવી રહ્યા છે તેમજ આસપાસના CCTV ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ બંને યુવતીઓના મોતનું સાચું કારણ બહાર આવશે તેવી શક્યતા છે.

આ બનાવને પગલે ડીંડોલી વિસ્તારમાં ભારે ચકચાર ફેલાઈ ગઈ છે અને સ્થાનિકોમાં પણ વિવિધ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. પોલીસ સમગ્ર મામલે તમામ પાસાઓથી તપાસ કરી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande