
સુરત, 07 માર્ચ (હિ.સ.): સુરતના પાંડેસરા વિસ્તારમાં નકલી પનીર બનાવતી એક ફેક્ટરી પર SOGએ 3 માર્ચે સાંજે દરોડો પાડી મોટું કૌભાંડ બહાર લાવ્યું છે. તપાસ દરમિયાન અંદાજે 1400 કિલો જેટલું શંકાસ્પદ પનીર જપ્ત કરવામાં આવ્યું છે. આ પનીર શહેરની વિવિધ ડેરીઓમાં સપ્લાય થતું હોવાની માહિતી સામે આવી છે, જેના કારણે લોકોના સ્વાસ્થ્ય અંગે ચિંતા વધી છે.
તપાસમાં ખુલ્યું કે ફેક્ટરીમાં પનીર બનાવતી વખતે ખાદ્ય પદાર્થોમાં વપરાતું ફૂડ ગ્રેડ એસિટિક એસિડ નહીં પરંતુ કારખાનાઓમાં ઉપયોગ થતું ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ એસિટિક એસિડ વપરાતું હતું. આરોગ્ય નિષ્ણાતો મુજબ આવા એસિડના ઉપયોગથી પાચનતંત્ર અને કિડની પર ગંભીર અસર પડી શકે છે.
આ કેસમાં લાયસન્સ અંગે પણ ગંભીર ગેરરીતિ સામે આવી છે. આરોપી મહેશકુમાર શર્માએ FSSAIનું લાયસન્સ તો લીધું હતું, પરંતુ તે મહારાષ્ટ્રના વસઈ સરનામે નોંધાયેલું હતું. આ લાયસન્સના આધારે સુરતમાં ગેરકાયદેસર રીતે ફેક્ટરી ચલાવવામાં આવી રહી હતી.
SOGની પૂછપરછમાં આરોપીએ સ્વીકાર્યું કે પનીર દૂધથી નહીં પરંતુ પામોલીન તેલ, થોડું દૂધ અને મિલ્ક સોલિડના મિશ્રણથી બનાવાતું હતું. આ મિશ્રણને જમાવીને પનીર જેવો આકાર આપવામાં આવતો હતો, જેને ‘એનાલોગ પનીર’ તરીકે વેચવામાં આવતું હતું.
આ દરોડામાં 1401 કિલો શંકાસ્પદ પનીર ઉપરાંત અંદાજે 25 લાખ રૂપિયાની મશીનરી, પામોલીન તેલના ડબ્બા અને એસિટિક એસિડના કેન જપ્ત કરાયા છે. SOGએ ગ્રાહકોને ચેતવણી આપી છે કે ખૂબ જ સસ્તું પનીર ખરીદતા પહેલાં તેની ગુણવત્તા અને સ્ત્રોત અંગે ખાતરી કરવી જરૂરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે