
પાટણ, 07 માર્ચ (હિ.સ.)પાટીદાર સમાજની કુળદેવી ઉમિયા માતાજીનો રથ આજથી સિદ્ધપુર તાલુકામાં પ્રવેશ કરશે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ રથયાત્રાનું પાટીદાર સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે. રાજ્યમાં સુખ, શાંતિ અને એકતાનો સંદેશ આપતો આ રથ સિદ્ધપુર પંથકમાં ચાર દિવસ સુધી વિવિધ ગામોમાં પરિભ્રમણ કરશે.
રથયાત્રાના પ્રથમ દિવસે ચંદરાવતી, લીંડી, કનેસરા, ખળી અને ગણેશપુરા ગામોમાં પરિભ્રમણ થશે. બીજા દિવસે રથ માધુપુરા, તાવડીયા, ઠાકરાસણા, નાંદોત્રી અને કુંવારા ગામે પહોંચશે, જ્યારે ત્રીજા દિવસે ઉમરુ, સુજાણપુરા, ગાંગલાસણ અને આંકવી ગામોમાં ભક્તોને દર્શન આપશે.
પરિભ્રમણના ચોથા અને અંતિમ દિવસે મંગળવારે રાજપુર ગામે રથયાત્રાનું સમાપન થશે. સમગ્ર યાત્રા દરમિયાન ગામેગામ પાટીદાર સમાજ દ્વારા ભક્તિભાવપૂર્વક પૂજન અને સ્વાગતની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે, જેના કારણે સમગ્ર પંથકમાં ભક્તિમય માહોલ સર્જાશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ