
પાટણ, 07 માર્ચ (હિ.સ.) : પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના સરહદી હમીરપુરા ગામના ખેડૂત પુત્ર વિપુલ કરમણભાઈ ચૌધરીએ UPSC પરીક્ષામાં 115મો રેન્ક મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. અગાઉ તેઓ 348મો રેન્ક મેળવી IPS તરીકે પસંદ થયા હતા, છતાં IAS બનવાના લક્ષ્ય સાથે તેમણે સતત મહેનત ચાલુ રાખી અને અંતે સફળતા મેળવી. પાકિસ્તાન સરહદ પાસે આવેલું હમીરપુરા ગામ સુવિધાઓની દ્રષ્ટિએ પછાત છે. અહીં માત્ર પ્રાથમિક શિક્ષણની જ સુવિધા છે અને ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને બહાર જવું પડે છે. આવી પરિસ્થિતિઓ વચ્ચે મધ્યમવર્ગીય ખેડૂત પરિવારના વિપુલે કઠોર પરિશ્રમથી આ સિદ્ધિ મેળવી સરહદી વિસ્તારના લોકોમાં ગૌરવ જગાવ્યું છે.
વિપુલે જણાવ્યું કે શરૂઆતમાં યોગ્ય માર્ગદર્શનના અભાવે પરિણામ મોડું મળ્યું, પરંતુ દ્રઢ નિશ્ચયે તેમને આગળ વધાર્યા. વર્ષ 2015માં એક શિક્ષક સાથેની ચર્ચા પછી તેમણે IAS બનવાનો સંકલ્પ કર્યો અને કોલેજ પૂર્ણ થયા બાદ તૈયારી શરૂ કરી. નોકરી સાથે અભ્યાસ ચાલુ રાખીને અંતે તેમણે લક્ષ્ય હાંસલ કર્યું.
વિપુલની સફળતા પાછળ માતા-પિતાનો મોટો સંઘર્ષ છે. પિતા કરમણભાઈએ પશુપાલન અને ભાગે ખેતી કરીને દીકરાને ભણાવ્યો, જ્યારે માતા મીઠીબેન દીકરો રાતે અભ્યાસ કરે ત્યારે તેની સાથે જાગતા. તેમના ત્યાગ અને વિપુલની મહેનતથી આજે હમીરપુરા ગામનું નામ દેશભરમાં ચમક્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ