
વલસાડ, 07 માર્ચ (હિ.સ.) : ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં દક્ષિણ ગુજરાત ઝોનની જવાબદારી સંભાળતા ઝોન કો-ઓર્ડિનેટર પ્રીતિબેન પાંડે છેલ્લા 20 વર્ષથી વધુ સમયથી યોગના પ્રચાર-પ્રસાર માટે કાર્યરત છે, તેમણે તાજેતરમાં ડાંગ જિલ્લાના આહવા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન જિલ્લા કો-ઓર્ડીનેટર પ્રિયંકાબેન ભોયે સાથે ઉપસ્થિત રહ્યા હતા.
આ મુલાકાત દરમિયાન ડાંગ જિલ્લામાં ચાલી રહેલી યોગ બોર્ડની વિવિધ પ્રવૃત્તિઓ તેમજ યોગના પ્રચાર-પ્રસાર અંગે ચર્ચા કરવામાં આવી હતી. યોગ અને પ્રાકૃતિક ખેતી પ્રત્યે સમર્પિત રાજ્યપાલએ યોગના વધુ વ્યાપક પ્રચાર-પ્રસાર માટે માર્ગદર્શન અને જરૂરી સૂચનો આપ્યા હતા. જિલ્લા કો-ઓર્ડિનેટર દ્વારા જિલ્લામાં ચાલી રહેલી યોગ બોર્ડની પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. બાળકો નિયમિત રીતે યોગ સાથે જોડાયેલા રહે અને સંસ્કારી જીવનશૈલી અપનાવે તે માટે રાજ્યપાલએ ખાસ માર્ગદર્શન આપ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે