




પોરબંદર, 07 માર્ચ (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ સરળતાથી તથા ઝડપથી ઉપલબ્ધ થાય તે હેતુસર કડિયાપ્લોટ પે-સેન્ટર શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો શુભારંભ પોરબંદર મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટદાર અને જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું સુચારૂ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા નાગરિકોને વિવિધ વિભાગોની સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ થવાથી લોકોને કચેરીઓના ચક્કર લગાવવાની જરૂરિયાત રહેતી નથી અને સમય તથા ખર્ચ બંનેની બચત થાય છે. કાર્યક્રમ દરમિયાન હેલ્થ વેલનેસ કાર્ડ (ડાયાબિટીસ અને બી.પી. ચકાસણી), જન્મ-મરણના પ્રમાણપત્ર, આવકનો દાખલો, નોન-ક્રીમીલેયર પ્રમાણપત્ર, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, દિવ્યાંગતા પ્રમાણપત્ર, રાશનકાર્ડમાં સુધારો તથા e-KYC, આધાર કાર્ડ નોંધણી અને સુધારા, બેન્ક એકાઉન્ટ ખોલાવવું, આધાર સાથે બેન્ક જોડાણ, પ્રોપર્ટી ટેક્સ, વ્યવસાય વેરો, વોટર અને ડ્રેનેજ કનેકશન, ઘરેલું વીજ જોડાણ, તેમજ વિવિધ સામાજિક સુરક્ષા અને કલ્યાણકારી યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી જીવન જયોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી), પી.એમ. સ્વનિધિ યોજના, જનધન યોજના, અટલ પેન્શન યોજના, નમોશ્રી યોજના, કુંવરબાઈનું મામેરૂ સહાય યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, વિધવા સહાય, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના સહિત અનેક સેવાઓ માટે અરજીઓ સ્વીકારવામાં આવી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરીયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સ્થળ પર હાજર રહી અરજદારોની અરજીઓનું સરળતાથી અને ઝડપથી નિરાકરણ થાય તે માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદી, મામલતદાર બી.વી.સંચાણીયા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ચેતનાબેન તિવારી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જયુબેલી, ખાપટ, કુંભારવાડા, નવી ખડપીઠ, પોરાઈ માતાના મંદિર, વીરડી પ્લોટ, કોળીવાડ, ખારવા વાડ, સુભાષનગર, જાવર સહિતના વિસ્તારોમાં વસવાટ કરતા લોકોને લાભ મળ્યો હતો. સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન સ્થળ પર કુલ 2473 અરજદારોની અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દ્વારા નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓ અને સેવાઓનો લાભ સરળતાથી પ્રાપ્ત થયો હોવાનું અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya