હર્બલ પાવડરના નામે વિદેશમાં ડ્રગ્સ મોકલવાનો ભાંડો ફૂટ્યો, સુરતનો વેપારી ઝડપાયો
સુરત, 07 માર્ચ (હિ.સ.)-ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ પ્રતિબંધિત સાયકોટ્રોપિક ડ્રગ્સ એટોમિડેટને હર્બલ અને ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સના નામે દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં ગેરકાયદે રીતે મોકલતા આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ મામલે સુ
હર્બલ પાવડરના નામે વિદેશમાં ડ્રગ્સ મોકલવાનો ભાંડો ફૂટ્યો,


સુરત, 07 માર્ચ (હિ.સ.)-ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ પ્રતિબંધિત સાયકોટ્રોપિક ડ્રગ્સ એટોમિડેટને હર્બલ અને ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સના નામે દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં ગેરકાયદે રીતે મોકલતા આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ મામલે સુરતના એક વેપારીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે.

ATSને મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે સુરતના ત્રણ વેપારીઓ મુંબઈ એરપોર્ટના એર કાર્ગો મારફતે મલેશિયા અને થાઈલેન્ડમાં ડ્રગ્સનો જથ્થો મોકલતા હતા. આરોપીઓ ડ્રગ્સના કન્સાઈનમેન્ટ પર એલોવેરા પાવડર, ગિનોપોલ-24 પાવડર તેમજ અન્ય હર્બલ પાવડરના ખોટા લેબલ લગાવી કસ્ટમ્સને ભ્રમિત કરતા હતા. આ માટે નકલી શિપિંગ અને કસ્ટમ્સ દસ્તાવેજો પણ તૈયાર કરવામાં આવતા હતા.

તપાસમાં સુરતના ત્રણ વેપારીઓના નામ સામે આવ્યા છે. તેમાં નિકુંજ હરેશભાઈ ગઢિયા (28) – DWN બાયોસાયન્સના માલિક, ચેતન કનુભાઈ વાવડિયા (28) – રુદ્ર એન્ટરપ્રાઈઝના સંચાલક અને ભૌતિક દામજીભાઈ પદમણી (32) – જાની ફાર્માના માલિકનો સમાવેશ થાય છે.

પોલીસ તપાસ મુજબ નિકુંજ ગઢિયાએ આશરે 50 કિલો એટોમિડેટ પાવડર હર્બલ પાવડરના નામે મલેશિયા મોકલ્યું હતું. ચેતન વાવડિયાએ લગભગ 50 કિલો પાવડર ‘ગિનોપોલ-24’ના નામે મલેશિયા અને થાઈલેન્ડ મોકલ્યું હતું, જ્યારે ભૌતિક પદમણીએ આશરે 25 કિલો ડ્રગ્સ એલોવેરા પાવડર તરીકે વિદેશ મોકલ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત પ્રતિ કિલો 4,000થી 5,000 ડોલર હોવાનું કહેવાય છે.

ATSએ મુંબઈ કસ્ટમ્સ કમિશનરેટ અને કુરિયર કંપની ફેડેક્સની મદદથી શંકાસ્પદ કન્સાઈનમેન્ટ અટકાવ્યા હતા. ત્યારબાદ રામન સ્પેક્ટ્રોસ્કોપી ટેસ્ટ દ્વારા ખાતરી થઈ કે જપ્ત કરાયેલો પદાર્થ પ્રતિબંધિત એટોમિડેટ ડ્રગ્સ જ છે. મલેશિયા અને સિંગાપોર જેવા દેશોમાં આ ડ્રગ્સ પર કડક પ્રતિબંધ છે.

પૂછપરછ દરમિયાન આરોપીઓના મલેશિયાના ડ્રગ્સ કાર્ટેલ સાથે સંકળાયેલા ચુઆ ઝી ઝુઆન નામના વ્યક્તિ સાથે સંપર્ક હોવાની માહિતી પણ સામે આવી છે. ગુજરાત ATSએ 6 માર્ચે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાવી નિકુંજ ગઢિયાની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે તપાસ ચાલુ રાખવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande