
પાટણ, 07 માર્ચ (હિ.સ.) : પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે આંબેડકર ચેર દ્વારા ‘વિકસિત ભારત 2047માં ડો. બાબાસાહેબ આંબેડકરના વિચારો’ વિષય પર રાષ્ટ્રીય કક્ષાનો સેમિનાર યોજાયો હતો. કાર્યક્રમમાં કુલપતિ પ્રોફેસર ડો. કે.સી. પોરીયા અને કુલસચિવ ડો. રોહિત દેસાઈની ઉપસ્થિતિમાં નિષ્ણાત વક્તાઓએ દેશના વિકાસમાં આંબેડકરના યોગદાન અને આગામી 25 વર્ષના રોડમેપ અંગે ચર્ચા કરી હતી.
મુખ્ય વક્તા વિજય ઝાલાએ જણાવ્યું હતું કે દેશના વિકાસમાં સંતો, મહંતો અને સમાજ સુધારકોનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું છે. તેમણે રામાનુજાચાર્ય, સ્વામી વિવેકાનંદ અને નરેન્દ્ર મોદીના કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો. ઝાલાએ ઉમેર્યું હતું કે કેટલીક મહાન વિભૂતિઓ સમય જતાં ભૂલાઈ જાય છે, પરંતુ વિવેકાનંદ, ડૉ. બાબાસાહેબ આંબેડકર અને ડૉ. કેશવ બળિરામ હેડગવારનું પ્રદાન આજે પણ અવિસ્મરણીય છે.
તેમણે જણાવ્યું હતું કે 2047 સુધી વિકસિત ભારતનું લક્ષ્ય હાંસલ કરવા માટે શિક્ષણવિદો અને નાગરિકોએ સક્રિય ભૂમિકા ભજવવી જરૂરી છે. બાબાસાહેબ આંબેડકરે આઝાદી પહેલાં જ વિકસિત ભારત માટે ચાર મુખ્ય પિલર સૂચવ્યા હતા, જેમાં યુવા વિકાસ, શોષિત અને પીડિત સમાજનો વિકાસ, મહિલા વિકાસ તથા ખેડૂતોના વિકાસનો સમાવેશ થાય છે.
ઝાલાએ વધુમાં જણાવ્યું હતું કે બાબાસાહેબે માત્ર દલિતો માટે નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે કાર્ય કર્યું હતું. તેમણે હિન્દુ કોડ બિલ માટે કાયદા મંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું અને મહિલાઓના અધિકારો માટે મહત્વપૂર્ણ કાયદાકીય સુધારાઓ લાવ્યા હતા. ખેતી, પર્યાવરણ અને જળસંચય જેવા વિષયો પર પણ તેમનું ચિંતન મહત્વપૂર્ણ રહ્યું છે.
સેમિનારમાં કુલપતિ કે.સી. પોરીયાએ સમાનતા, ન્યાય અને માનવ ગૌરવના મૂલ્યો પર ભાર મૂક્યો હતો. કુલસચિવ રોહિત દેસાઈ અને અન્ય વક્તાઓએ શિક્ષણ, લોકશાહી તથા નાગરિક કર્તવ્યો વિશે માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર આયોજન આંબેડકર ચેરના કો-ઓર્ડિનેટર ડો. જય ત્રિવેદી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ