
ભુજ/ગાંધીનગર, 01 એપ્રિલ (હિ.સ.) : ભુજ શહેરમાંથી એક એવી પ્રેરણાદાયી ઘટના સામે આવી છે, જે “મિત્ર એવો શોધીયે જે ઢાલ સરીખો હોય” જેવી વર્ષો જૂની કહેવતને જીવંત બનાવે છે. અહીં મહાવીર નગર યુવક મંડળે મિત્રતાનો એવો ઉદાહરણ પૂરું પાડ્યું છે, જે માત્ર શબ્દોમાં નહીં પરંતુ કાર્ય દ્વારા સમાજ માટે આદર્શ બની ગયું છે.
વર્ષ 2014માં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પ્રવિણસિંહ ઘનશ્યામસિંહ સોઢા શેખપીર ચોકડી નજીક ફરજ દરમિયાન ગંભીર અકસ્માતનો ભોગ બન્યા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન લોહીની તાત્કાલિક જરૂરિયાત ઉભી થઈ. દુર્ભાગ્યવશ સમયસર લોહી ન મળતા તેઓ જીવનની લડાઈ હારી ગયા. આ ઘટના માત્ર એક મિત્રને નહીં પરંતુ એક પરિવારના કુળદીપકને પણ ખોઈ બેસવાનો દુખદ પ્રસંગ બની.
આ દુઃખદ ઘટનાએ મહાવીર નગર યુવક મંડળના સભ્યોને અંદરથી ઝંઝોડી નાખ્યા. એ જ દિવસે તેમણે એક સંકલ્પ લીધો — “મિત્ર ભલે આ દુનિયામાં ન હોય, પણ તેનું નામ અને તેની યાદને જીવંત રાખવી.” સાથે જ તેમણે નક્કી કર્યું કે લોહીની અછતના કારણે હવે કોઈની પણ જિંદગી ન જવી જોઈએ.
આ સંકલ્પથી શરૂ થઈ એક અનોખી યાત્રા — રક્તદાન શિબિર દ્વારા મિત્રાંજલિ આપવાની પરંપરા. છેલ્લા 12 વર્ષથી સતત દર વર્ષે આ શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દરેક શિબિરમાં અંદાજે 100થી વધુ રક્તદાતાઓ ભાગ લઈ પોતાનું અમૂલ્ય લોહીદાન કરે છે, જે અનેક જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાતા બની રહ્યું છે.
આ વર્ષે, 1 એપ્રિલે સ્વ. પ્રવિણસિંહ સોઢાની પુણ્યતિથિ નિમિત્તે ભુજના શક્તિધામ મંદિર ખાતે 12મી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જી.કે. જનરલ હોસ્પિટલના સહકારથી યોજાયેલી આ શિબિરનું ઉદ્ઘાટન પ્રવિણસિંહ સોઢાના પરિવારજનો, મહાવીર નગર યુવક મંડળ, શક્તિધામ ટ્રસ્ટ અને અન્ય સામાજિક સંસ્થાઓના સભ્યો દ્વારા કરવામાં આવ્યું.
મહાવીર નગર યુવક મંડળના પ્રતિનિધિ ગણપતસિંહે જણાવ્યું હતું કે, “દર વર્ષે મિત્રને યાદ કરીને રક્તદાન શિબિર યોજવી એ એક સાથે ગર્વ અને લાગણીભર્યો ક્ષણ છે. આ પ્રયાસથી સમાજમાં જાગૃતિ ફેલાય અને વધુ લોકો રક્તદાન માટે પ્રેરાય તે અમારો મુખ્ય હેતુ છે.”
તેમણે વધુમાં જણાવ્યું કે વૈજ્ઞાનિક રીતે એક વ્યક્તિ દ્વારા આપવામાં આવેલું લોહી ત્રણ અલગ અલગ લોકોને જીવનદાન આપી શકે છે. ખાસ કરીને ઉનાળાની સિઝનમાં લોહીની માંગ વધતી હોવાથી વધુમાં વધુ લોકોએ આગળ આવી રક્તદાન કરવું જોઈએ તેવી અપીલ પણ તેમણે કરી.
આ સમગ્ર પહેલ માત્ર મિત્રતાનું ઉદાહરણ નથી, પરંતુ સમાજ માટે માનવતાનું જીવંત પ્રતિક છે. ભુજના મહાવીર નગર યુવક મંડળે સાબિત કરી દીધું છે કે સાચી મિત્રતા ક્યારેય મરતી નથી — તે સેવા અને સંકલ્પ રૂપે હંમેશા જીવંત રહે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ