જામનગરમાં ચોરીની શંકાના આધારે પ્રૌઢની નિર્મમ હત્યા
જામનગર, 01 એપ્રિલ (હિ.સ.) : જામનગર શહેરમાં અંબર ચોકડી નજીકના બાવરીવાસમાં રહેતાં પ્રૌઢને ચોરીની શંકાના આધારે ચાર શખ્સોએ અપહરણ કરી માર માર્યાના બનાવમાં સારવાર દરમ્યાન ઘવાયેલા વ્યક્તિનું મોત નિપજતાં બનાવ હત્યામાં પલટાતાં પોલીસે પીએમ રીપોર્ટના આધારે ગુ
હત્યા ફાઈલ ફોટો


જામનગર, 01 એપ્રિલ (હિ.સ.) : જામનગર શહેરમાં અંબર ચોકડી નજીકના બાવરીવાસમાં રહેતાં પ્રૌઢને ચોરીની શંકાના આધારે ચાર શખ્સોએ અપહરણ કરી માર માર્યાના બનાવમાં સારવાર દરમ્યાન ઘવાયેલા વ્યક્તિનું મોત નિપજતાં બનાવ હત્યામાં પલટાતાં પોલીસે પીએમ રીપોર્ટના આધારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ જામનગર શહેરમાં અંબર ચોકડી નજીક આવેલા બાવરીવાસ વિસ્તારમાં રહેતા રાજુભાઇ રામજીભાઇ કોષ્ટિ નામના પ્રૌઢ ગત્ તા. 30ના રોજ સાંજના સમયે તેના ઝુંપડાની સામે આવેલી ફૂટપાથ પર બેઠાં હતાં. તે દરમ્યાન બે બાઇક પર આવેલા ચાર અજાણ્યા શખ્સોએ પ્રારંભિક વાતચિત દરમ્યાન ઢીકાપાટુ અને પ્લાસ્ટીકની નળી વડે માર માર્યો હતો. ત્યારબાદ રાજુભાઇનું બાઇકમાં અપહરણ કરી લઇ જઇ લીમડાલાઇન વિસ્તારમાં આવેલા એક ડેલામાં લઇ ગયા હતા. જ્યાં રાજુભાઇ અને સંજય નામના બે વ્યક્તિઓને ગોંધી રાખી બેરહમીથી માર મારવામાં આવ્યો હતો. ચાર શખ્સો દ્વારા કરાયેલા હુમલામાં ઘવાયેલા રાજુભાઇ અને સંજય નામના બન્નેને ઘવાયેલી હાલતમાં મૂકી હુમલાખોરો પલાયન થઇ ગયા હતા.

ત્યારબાદ આ અંગેની મૃતકના સાળા તથા પરિવારજનોને જાણ થતાં તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. જ્યાં બન્ને ઘવાયેલા વ્યક્તિઓને 108 એમ્બયુલન્સ દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન રાજુભાઇ કોષ્ટિનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. જ્યારે સંજય સારવાર હેઠળ હતો. દરમ્યાન આ બનાવની જાણ થતાં પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટેની કાર્યવાહી હાથ ધરતાં પ્રાથમિક રિપોર્ટમાં હત્યા કરાઇ હોવાનું ખુલતા પોલીસે આ બનાવ અંગે મૃતકના જમાઇ ઉદય કનૈયાભાઇ પરમારના નિવેદનના આધારે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

તપાસ દરમ્યાન પ્રાથમિક તારણમાં લીમડાલાઇન વિસ્તારમાં આવેલી ફ્રીજ, એસી રીપેરીંગની દુકાનમાંથી એસીના પાઇપ (નળી)ની ચોરી થઇ હતી. આ ચોરી રાજુભાઇએ કરી હોવાની શંકાના આધારે ચાર શખ્સોએ માર મારી અપહરણ કર્યા બાદ ગોંધી રાખી ફરીથી માર મારતા ગંભીર રીતે ઘવાયેલા રાજુભાઇ કોષ્ટિનું સારવાર દરમ્યાન મોત નિપજતા આ બનાવ હત્યામાં પલ્ટાયો હતો. જેના આધારે પોલીસે હત્યારાઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande