
પાટણ, 01 એપ્રિલ (હિ.સ.) : સમી નજીક ફૂલવાડી પાસે શોર્ટ સર્કિટના કારણે એક કારમાં અચાનક આગ લાગી હતી. આ કાર શંખેશ્વર તાલુકાના મોટી ચંદુર ગામથી સમી તરફ આવી રહી હતી ત્યારે તેમાં ધુમાડો નીકળવા લાગ્યો. કારચાલકે સમયસર કાર ઊભી રાખી દીધી જેથી અંદર સવાર બે લોકો સુરક્ષિત રીતે બહાર નીકળી શક્યા.
ઘટનાની જાણ થતાં જ ૧૧૨ વાન અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જોકે, પાટણથી ફાયર ફાઈટર પહોંચે તે પહેલાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને કાર સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
ગરમીની શરૂઆત સાથે આગ લાગવાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. સમી તાલુકામાં પૂરતી ફાયર સુવિધાનો અભાવ હોવાને કારણે આવી પરિસ્થિતિમાં સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ