
અમરેલી, 01 એપ્રિલ (હિ.સ.) :
ગીર સોમનાથ જિલ્લામાં કોડીનારથી અમરેલી વચ્ચે ચાલી રહેલી એસ.ટી. બસ સેવા છેલ્લા ઘણા સમયથી બંધ હોવાથી સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ મુદ્દે શહેર કોંગ્રેસ સમિતિ તેમજ કોંગ્રેસ સેવા દળ દ્વારા ડેપો મેનેજરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક સેવા પુનઃ શરૂ કરવાની માંગ કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવાયું છે કે કોડીનારથી અમરેલી જતા માર્ગ પર આવેલા ઘાંટવડ, જામવાળા અને દલખાણીયા જેવા ગામોના લોકો માટે આ બસ સેવા જીવનરેખા સમાન હતી. ખાસ કરીને ગીર પંથકના ગામો સામાજિક, શૈક્ષણિક અને આરોગ્ય સેવાઓ માટે ધારી અને અમરેલી સાથે જોડાયેલા છે, પરંતુ બસ સેવા બંધ થતા વિદ્યાર્થીઓ, દર્દીઓ અને વેપારીઓને અવરજવર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
કોંગ્રેસ આગેવાનોનો આક્ષેપ છે કે જાહેર પરિવહન જેવી મૂળભૂત સુવિધા બંધ રહેવી યોગ્ય નથી અને તાત્કાલિક પગલાં લેવાં જરૂરી છે. તેમણે એસ.ટી. નિગમને આ મુદ્દે ગંભીરતાથી વિચારણા કરી વહેલી તકે બસ સેવા શરૂ કરવાની માંગ કરી છે, જેથી ગ્રામ્ય વિસ્તારોના લોકોને ફરીથી સુવિધા મળી શકે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai