


ગાંધીનગર, 01 એપ્રિલ (હિ.સ.): ગુજરાત આજે વિશ્વભરના રોકાણકારોની પહેલી પસંદ બન્યું છે. ઔદ્યોગિક ક્ષેત્રે 'દિવાદાંડી' સ્થાપવાના વિઝન સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે બેઠક યોજાઈ હતી. ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠકમાં રાજ્યના 23 મોટા ઔદ્યોગિક એકમોને સહાય માટેના ફાઇનલ એલીજીબીલીટી પ્રમાણપત્રો આપવાની મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરીઓના પરિણામે રાજ્યમાં અંદાજિત 5634 જેટલી રોજગારીની તકો ઊભી થશે. જે રાજ્યના યુવાનો માટે આર્થિક ઉન્નતિના દ્વાર ખોલશે.
આ બેઠકમાં બે મુખ્ય યોજનાઓ હેઠળ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. જેમાં ઔદ્યોગિક નીતિ-2015 (ઇન્સેન્ટીવ ટુ ઇન્ડસ્ટ્રિઝ) હેઠળ કુલ 22 મોટા એકમો દ્વારા રૂ. 770.29 કરોડના મૂડીરોકાણની અરજીઓ તથા આત્મનિર્ભર ગુજરાત યોજના-2022 હેઠળ પંચમહાલ જિલ્લાના 1 મોટા એકમ દ્વારા રૂ. 837.67 કરોડના મૂડીરોકાણને મંજૂરી આપવામાં આવી છે.
રાજ્ય સરકારની આ યોજનાઓનો મુખ્ય હેતુ ઉદ્યોગોને નેટ એસ.જી.એસ.ટી. (Net SGST) સહાય, વ્યાજ સહાય અને ઇ.પી.એફ. (EPF) રીએમ્બર્સમેન્ટ આપીને પ્રોત્સાહિત કરવાનો છે. આનાથી માત્ર મોટા ઉદ્યોગો જ નહીં, પરંતુ તેમની સાથે જોડાયેલા MSME સેક્ટરના નાના એકમોને પણ વેગ મળશે અને રાજ્યમાં એક મજબૂત 'ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી ઇકો-સિસ્ટમ'નું નિર્માણ થશે.
બેઠકમાં મંજૂર કરવામાં આવેલ અરજીઓ પૈકી અમદાવાદ જિલ્લામાં ઓટો સેક્ટરમાં રૂ.167.77 કરોડ, સુરતમાં ટેક્ષટાઇલ, પેપર અને અન્ય સેક્ટરમાં રૂ.148.34 કરોડ, ગાંધીનગરમાં મેટલ અને મિનરલ્સ સેક્ટરમાં રૂ.81.09 કરોડ, સાંબરકાંઠામાં મેટલ અને અન્ય સેક્ટરમાં રૂ.57.90 કરોડ, પંચમહાલ જિલ્લામાં રૂ.15.80 કરોડની મંજૂરી અપાઈ છે. આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં એગ્રો પ્રોડક્ટસ સેક્ટરમાં રૂ.26.07 કરોડ, ભરૂચમાં કેમિકલ સેક્ટરમાં રૂ.૧૮૬.૫૭ કરોડ, મહેસાણામાં એન્જિનિયરીંગ સેક્ટરમાં રૂ.25.89 કરોડ, રાજકોટમાં ઓટો સેક્ટરમાં રૂ.૯.૮૨ કરોડ, વલસાડમાં એન્જિનિયરીંગ સેક્ટરમાં રૂ.13.30 કરોડ, સુરેન્દ્રનગરમાં મેટલ સેક્ટરમાં રૂ.૧૮.૭૪ કરોડ અને પંચમહાલ જિલ્લામાં જનરલ સેક્ટરમાં રૂ.૮૩૭.૬૭ કરોડના મૂડીરોકાણને સહાય માટે મંજૂરી આપવામાં આવી.
આ બેઠકમાં ઉદ્યોગ અને MSME રાજ્ય મંત્રી જયરામ ગામિત, મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવી, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. ટી. નટરાજન, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા સહિત વન, પર્યાવરણ, શ્રમ અને ઉદ્યોગ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ અપુર્વ શાહ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ