
ગીર સોમનાથ, 1 એપ્રિલ (હિ.સ.) : ગીર સોમનાથ ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં ૫૧૮ પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. આ અંતર્ગત સોમનાથ પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.આર. ગોસ્વામીની સુરત ખાતે બદલી થતાં તેમનો વિદાય સમારોહ યોજાયો હતો. સોમનાથના સાગર દર્શન હોલ ખાતે આયોજિત આ સમારોહમાં વેરાવળ પી.આઈ. ગઢવી, એસ.ઓ.જી.ના સિંધવ સહિતના મુખ્ય પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે વેરાવળ વેપારી એસોસિએશન વતી મુકેશભાઈ ચોલેરા, સાગર પુત્ર ફાઉન્ડેશન સમસ્ત ખારવા સમાજના પ્રમુખ દામજીભાઈ ફોફંડી, લખમભાઈ ભેંસલા, તુલસીભાઈ ગોહેલ, જનરલ સિંધી પંચાયતના પ્રમુખ લાલાભાઈ ત્રિલોકણી, કેશુભાઈ ભાભણી, સોમપુરા સમાજના હેમલભાઈ ભટ્ટ, હોટલ એસોસિએશનના સભ્યો શૈલેષભાઈ ગૌસ્વામી, વેરાવળ ગોલ્ડન સિલ્વર એસોસિએશનના પ્રમુખ ગિરીશભાઈ પટ્ટ, દેવાયતભાઈ ઝાલા, સોમનાથ કેટરર્સ એસોસિએશનના પ્રમુખ મિલનભાઈ જોશી, વેરાવળ નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પ્રતિનિધિ જયદેવભાઈ જાની, રાજુભાઈ ગઢીયા, ફારૂકભાઈ બુઢિયા સહિત પ્રેસ-પ્રતિનિધિઓ અરુણભાઈ જેબર, નિલેશભાઈ ચાવડા, ચેતનભાઈ અપારનથી હાજર રહ્યા હતા.
વેરાવળ-સોમનાથના વેપારીઓ, સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો, અગ્રણીઓ, રાજકીય આગેવાનો સહિત સમગ્ર પોલીસ વિભાગના સ્ટાફે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પી.આઈ. ગોસ્વામીને ભાવભીની વિદાય આપી હતી. ઉપસ્થિત સર્વેએ પી.આઈ. ગોસ્વામીની ફરજ અને સેવાઓને યાદ કરી હતી. પ્રત્યુત્તર આપતા પી.આઈ. ગોસ્વામીએ જણાવ્યું હતું કે, તેમને ઉપરી અધિકારીઓ આઈ.જી. નિલેશ જાજુડિયા, હાલના આઈ.જી. રાજેન્દ્રસિંહ ચુડાસમા, એસ.પી. ગીર સોમનાથ જયદીપસિંહ જાડેજા, ડીવાયએસપી ખેંગાર અને જિલ્લાના પૂર્વ એસ.પી. મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઘણું શીખવા મળ્યું તેનો તેમને સંતોષ છે.
તેમણે તેમની કારકિર્દી દરમિયાન મળેલ માર્ગદર્શન બદલ પોલીસ ઉચ્ચ અધિકારીઓ તેમજ પોલીસ વિભાગના તમામ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સમાજ તરફથી મળેલ સહકાર બદલ પણ તેમણે આભાર માન્યો હતો.
પી.આઈ. ગોસ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે, તેઓ સોમનાથની ભૂમિને ક્યારેય નહીં ભૂલી શકે, કારણ કે આ ભૂમિએ તેમને ખૂબ સંતોષ આપ્યો છે અને તેઓ તેના ઋણી રહેશે. ઉપસ્થિત સૌએ તેમને સુરત ખાતેની નવી જવાબદારી માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ