


પોરબંદર, 01 એપ્રિલ (હિ.સ.) : ભગવાન શ્રીકૃષ્ણ અને માતા રુક્મિણીના પવિત્ર વિવાહ પ્રસંગે યોજાતો માધવપુરનો મેળો માત્ર ધાર્મિક ઉત્સવ નહીં, પરંતુ હવે ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ના નેમને સાર્થક કરતો રાષ્ટ્રીય ફલક બની ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને પગલે આજે માધવપુરના સમુદ્ર કિનારે ઉત્તર-પૂર્વ ભારતની સંસ્કૃતિ અને કલાનો અનોખો સંગમ રચાયો છે. આ મેળામાં આ વખતે મેઘાલયના જયંતિયા હિલ્સની વિશ્વપ્રસિદ્ધ ‘લાકાડોંગ હળદરે’ લોકોનું સવિશેષ ધ્યાન ખેચ્યું હતું. પૂર્વના પહાડોમાં ઉગતી આ ઔષધીય હળદરની સુગંધ હવે માધવપુર ઘેડના મેળામાં મહેકી છે.
માધવપુર ઘેડના મેળામાં આયોજિત હસ્તકલા પ્રદર્શનમાં મેઘાલયથી આવેલા ફાસમે બર્ન જણાવે છે કે, દુનિયામાં માત્ર મેઘાલયના જયંતિયા પહાડી વિસ્તારમાં જ લાકાડોંગ હળદરનું ઉત્પાદન થાય છે. આ હળદર તેના અદભૂત સ્વાસ્થ્યવર્ધક ગુણોને કારણે વિશ્વભરમાં જાણીતી છે. સામાન્ય રીતે બજારમાં મળતી હળદરમાં કર્ક્યુમિન (Curcumin) તત્વનું પ્રમાણ માત્ર 2 થી 3 ટકા હોય છે, જ્યારે લાકાડોંગ હળદરમાં આ પ્રમાણ 7 ટકાથી પણ વધુ જોવા મળે છે. આવી વિશેષતાઓના કારણે જી.આઈ. ટેગ પ્રાપ્ત થયો છે.મેળામાં પધારેલા ભાવિકો અને પ્રવાસીઓ આ હળદરના ગુણોથી પ્રભાવિત થઈને ઉત્સાહભેર ખરીદી કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, લાકાડોંગ હળદર ‘એન્ટી-ઈન્ફ્લેમેટરી’ હોવાથી શરીરમાં સોજા અને દુખાવા દૂર કરે છે. આ ઉપરાંત, તેમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ ગુણો કેન્સર અને ત્વચાના રોગો સામે રક્ષણ પૂરું પાડે છે તથા કોલેસ્ટ્રોલ નિયંત્રિત કરવામાં પણ અત્યંત મદદરૂપ સાબિત થાય છે.
આ પ્રદર્શનમાં હળદરની સાથે
સાથે મેઘાલયના વિશિષ્ટ રીમેક ગ્રાસમાંથી બનાવવામાં આવેલી કલાત્મક વસ્તુઓનું પણ નિદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે. ફાસમે બર્ને વડાપ્રધા નરેન્દ્ર મોદી અને રાજ્ય સરકારનો આ અવસર ઉપલબ્ધ કરાવવા માટે આભાર પ્રગટ કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya