માનવ અને અન્ય જીવો વચ્ચેનો ભેદ માત્ર શિક્ષણ જ સ્પષ્ટ કરી શકે છે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
- રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ટાઉનહોલ ખાતે ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન(IITE)નો આઠમો દીક્ષાંત સમારોહ સંપન્ન ગાંધીનગર, 01 એપ્રિલ (હિ.સ.) : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને ગાંધીનગરના ટાઉનહોલ ખાતે ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થ
ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


- રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ટાઉનહોલ ખાતે ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન(IITE)નો આઠમો દીક્ષાંત સમારોહ સંપન્ન

ગાંધીનગર, 01 એપ્રિલ (હિ.સ.) : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને ગાંધીનગરના ટાઉનહોલ ખાતે ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન(IITE)ના આઠમા દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમારોહમાં આઇ.આઇ.ટી.ઈ.ના કુલાધિપતિ તથા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ શિક્ષણ અને સંસ્કારોના સમન્વય પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, વિશ્વવિદ્યાલયો માટે 'પદવીદાન' શબ્દ કરતાં 'દીક્ષાંત' શબ્દ વધુ ગરિમાપૂર્ણ છે. શિક્ષણ સંસ્થાઓમાં વિદ્યાર્થી વર્ષો સુધી તપસ્યા અને પરિશ્રમ કરે છે, ત્યારે તેને આપવામાં આવતું સન્માન એ 'દાન' નથી પરંતુ તેની સાધનાની 'દીક્ષા' છે. દીક્ષાંત શબ્દથી દીક્ષિત છાત્રો અને ગુણની પ્રતિષ્ઠા વધે છે.

રાજ્યપાલએ શિક્ષક અને પ્રશિક્ષણ સંસ્થાઓના મહત્વ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, શિક્ષણ જ એક એવું માધ્યમ છે જે મનુષ્ય અને અન્ય જીવ-જંતુઓ વચ્ચે ભેદ ઉત્પન્ન કરે છે. અન્ય પ્રાણીઓ પાસે માત્ર સ્વાભાવિક જ્ઞાન હોય છે, જ્યારે મનુષ્ય ગુરુના માધ્યમથી 'નૈમિત્તિક જ્ઞાન' પ્રાપ્ત કરીને પ્રકૃતિના આનંદને અનુરૂપ સૃષ્ટિના સર્જનમાં સહયોગી બને છે.

ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિનો ઉલ્લેખ કરતા રાજ્યપાલએ કહ્યું કે, ગુજરાતમાં વિશ્વની પ્રથમ 'ચિલ્ડ્રન યુનિવર્સિટી'ની સ્થાપના પાછળ ઋષિઓની સંસ્કાર પરંપરા રહેલી છે. ગર્ભાધાન સંસ્કારથી લઈ અંતિમ સંસ્કાર સુધીના 16 સંસ્કારોની ભઠ્ઠીમાં તપીને બાળક કુંદન બને છે. તેમણે આધુનિક વિજ્ઞાનના ઉદાહરણો ટાંકીને સમજાવ્યું કે બાળક ગર્ભમાં હોય ત્યારથી જ શ્રવણ અને સંવેદનાઓ ગ્રહણ કરવાનું શરૂ કરી દે છે. માતા-પિતા અને આચાર્યએ બાળકના ખરા નિર્માતા છે.

ગુરુને કુંભાર સાથે સરખાવતા રાજ્યપાલએ ઉમેર્યું હતું કે, બાળક કાચી માટી સમાન છે અને ગુરુ તેને શ્રેષ્ઠ આકાર આપવાની ક્ષમતા ધરાવે છે. જ્યા૨ે રાષ્ટ્રમાં સકારાત્મક વિચાર અને મજબૂત ઇચ્છાશક્તિ ધરાવતું નેતૃત્વ હોય છે, ત્યારે નક્સલવાદ અને અશાંતિ જેવી સમસ્યાઓ જડમૂળથી નાબૂદ થાય છે. દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહે માર્ચ 2026 સુધીમાં નક્સલવાદને સમાપ્ત કરવાનો જે લક્ષ્યાંક રાખ્યો છે, તે સુરક્ષિત અને સુખી ભારત તરફનું મહત્વનું કદમ છે.

પોતાના 35 વર્ષના શૈક્ષણિક અનુભવને વાગોળતા રાજ્યપાલએ ભાવિ શિક્ષકોને અનુરોધ કર્યો કે, શિક્ષણ એ માત્ર વ્યવસાય નથી પરંતુ પવિત્ર મિશન છે. એક સન્નિષ્ઠ ગુરુ કોઈ વ્યક્તિને ગંદકીમાંથી બહાર કાઢી તેના જીવનને પવિત્રતા તરફ લઈ જઈ શકે છે, જે સામાજિક પરિવર્તનનું કારણ બને છે. ગુરુ દ્વારા જીવન બદલવાથી મહામાનવનું નિર્માણ થાય છે.

આ પ્રસંગે રાજ્યપાલએ શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, કુલપતિ અને સમગ્ર ટીમને સંસ્થાની સિદ્ધિઓ બદલ અભિનંદન પાઠવ્યા હતા અને દીક્ષિત વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન (IITE) ના પદવીદાન સમારોહમાં શિક્ષણ મંત્રીએ નવસ્નાતકોને સંબોધતા જણાવ્યું કે, શિક્ષક એ માત્ર વ્યવસાય નથી પરંતુ રાષ્ટ્ર નિર્માણનો પવિત્ર 'કર્મમાર્ગ' છે. આજે મળેલી ડિગ્રીએ પરિશ્રમ અને ગુરુજનોના આશીર્વાદનું ફળ છે.

વડાપ્રધાનના દ્રષ્ટિકોણને સાંકળી તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2010માં નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વને ઉત્તમ શિક્ષકો આપવાના વિઝન સાથે આઇ.આઇ.ટી.ઈ.ની સ્થાપના કરી હતી, જે આજે 15 વર્ષે વટવૃક્ષ બની છે. સંસ્થાએ રૂ.1 કરોડના ખર્ચે 12 સંશોધન પ્રોજેક્ટ પૂર્ણ કર્યા છે અને 95% વિદ્યાર્થીઓએ પ્લેસમેન્ટ મેળવ્યું છે. આ વર્ષે 30થી વધુ વિદ્યાર્થીઓએ NET-GSET પરીક્ષા પાસ કરી રાજ્યનું ગૌરવ વધાર્યું છે. આગામી સમયમાં આઇ.આઇ.ટી.ઈ. દ્વારા રમતગમત, કલા અને દિવ્યાંગ બાળકોના વિશેષ શિક્ષણ માટે પણ નિષ્ણાત શિક્ષકો તૈયાર કરવામાં આવશે તેમ પણ મંત્રીએ જણાવ્યું હતું.

શિક્ષકની ભૂમિકા સ્પષ્ટ કરતા મંત્રીએ ઉમેર્યું કે, વિશ્વને 'યુદ્ધ તરફથી બુદ્ધ તરફ' લઈ જવાની જવાબદારી શિક્ષકોની છે. શિક્ષણ એ માત્ર માહિતી આપવાનું સાધન નથી, પણ માનવતા પ્રગટ કરવાનો માર્ગ છે. અંતે મંત્રીએ 'શિક્ષક કભી સાધારણ નહીં હોતા' તેમ જણાવી તમામ નવસ્નાતકોને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.

સમારોહમાં કુલપતિ ડૉ. મુકેશ પટેલે સ્વાગત પ્રવચન કરતા કહ્યું હતું કે, આજનો સમય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો છે પરંતુ એ.આઈ. માત્ર ઇન્ફોર્મ કરી શકે છે, તે ટ્રાન્સફોર્મ ન કરી શકે. સમાજને ટ્રાન્સફોર્મ કરનાર એ શિક્ષક વર્ગ છે અને આઇ.આઇ.ટી.ઇ.એ શિક્ષકોનું ઘડતર કરી રહ્યું છે. આ સાથે તેમણે યુનિવર્સીટીને નેશનલ ઈમ્પોર્ટન્ટ ઇન્સ્ટિટ્યૂટ બનાવવાના પ્રધાનમંત્રીશ્રીના વિઝનને સાકાર કરતા વિવિધ મલ્ટી ડિસિપ્લિનરી કોર્સ અને શાળાઓના નિર્માણ સાથે આઇ.આઇ.ટી.ઇ. વૈશ્વિક સ્તરે વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ શિક્ષકો આપશે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.

દીક્ષાંત સમારોહ પ્રસંગે પ્રખર ભાગવત કથાકાર ભાઈ રમેશભાઈ ઓઝા દ્વારા વિડીયો સંદેશ પાઠવી પદવી મેળવનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. રાજ્યપાલના હસ્તે વિવિધ વિષયોના પ્રથમથી તૃતીય ક્રમમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે નમો માતૃભૂમિ મિશન શારદામ હેઠળ આઇ.આઇ.ટી.ઈ. યુનિવર્સિટીના શિક્ષક ગણ અને સંશોધનકર્તાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા 6 રિસર્ચ પ્રોજેક્ટ ગુજરાત સરકારને અર્પણ કરી તે સંશોધનોની સાર પુસ્તિકાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

ટાઉનહોલ ખાતેથી યુનિવર્સિટીના કુલ 223 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande