
સુરત, 01 એપ્રિલ (હિ.સ.) : સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિન GIDCમાં આજે (1 એપ્રિલ) વહેલી સવારે મોટી આગની ઘટના સામે આવી છે. હોજીવાલા ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલી ગોપી નિટિંગ ટેક્સટાઇલ ફેક્ટરીમાં અચાનક આગ ભભૂકી ઉઠતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને ફાયર વિભાગે તરત જ ‘મેજર કોલ’ જાહેર કર્યો હતો.
માહિતી અનુસાર, ફેક્ટરીમાં નાયલોન ટેક્સટાઇલ કાપડનું ઉત્પાદન થતું હોવાથી અંદર રહેલા જ્વલનશીલ માલના કારણે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ટૂંકા સમયમાં જ આખી ફેક્ટરીને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી.
આગની ઘટના બનતાં જ સ્થાનિક લોકો અને ફેક્ટરીના કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. તરત જ સુરત ફાયર વિભાગને જાણ કરવામાં આવતા સુરત મેઈન ફાયર સ્ટેશન, સચિન GIDC અને હોજીવાલા વિસ્તારની ફાયર ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
હાલમાં ડઝનથી વધુ ફાયર ટેન્કરો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયત્નો ચાલુ છે. સાથે જ આગ આસપાસની અન્ય ફેક્ટરીઓમાં ન ફેલાય તે માટે સુરક્ષા અને સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે