


મહેસાણા, 01 એપ્રિલ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના લાખવડ ગામની પગાર કેન્દ્ર શાળામાં વાર્ષિકોત્સવ કાર્યક્રમ ભવ્ય અને ઉત્સાહભેર ઉજવાયો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના રાષ્ટ્રીય પ્રમુખ ડૉ. અનિલભાઈ સાહેબ (દિલ્હી) ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કુલ 26 જેટલા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો એકસરખા પહેરવેશમાં વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા, જેને દર્શકોએ ભારે પ્રશંસા આપી હતી.
વિદ્યાર્થીઓએ પ્રાર્થના, સ્વાગત ગીત, ગરબા, નાટક, એકપાત્ર અભિનય, લિલિપુટ ડાન્સ તેમજ નાના બાળકોના ફની ડાન્સ જેવી વિવિધ રજૂઆતોથી કાર્યક્રમને જીવંત બનાવી દીધો હતો. ખાસ કરીને નાનાં બાળકોના નિર્દોષ અભિનયે સૌનું મન જીતી લીધું હતું.
કાર્યક્રમ દરમિયાન ધોરણ 3 થી 8 સુધીના પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ ધોરણ 5 ના જ્ઞાનસેતુ અને ધોરણ 8 ના જ્ઞાન સાધના પરીક્ષામાં મેરીટમાં આવેલા વિદ્યાર્થીઓને પણ વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત, ગામના ભૂતપૂર્વ સરપંચશ્રીઓ તથા વિવિધ સંસ્થાઓના પ્રમુખોને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના કુલ 500 વિદ્યાર્થીઓમાંથી 420 વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જે કાર્યક્રમની સફળતાનું પ્રતિબિંબ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR