
મહેસાણા, 01 એપ્રિલ (હિ.સ.) : અમદાવાદમાં ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા હાથ ધરાયેલા ઉમિયાધામ-બિલાસીયા પ્રોજેક્ટ અંતર્ગત એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. એસ.પી. રિંગ રોડથી ઉમિયાધામ બિલાસીયાને જોડતા અંદાજે 1.5 કિલોમીટર લાંબા નવનિર્મિત ડામર રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને માર્ગ પર આવેલા મુખ્ય સર્કલનું ‘શ્રી ઉમિયા ચોક’ તરીકે વિધિવત નામકરણ કરવામાં આવ્યું હતું.
સમારોહ દરમિયાન હજારો ભક્તોની હાજરીમાં મહાઆરતી યોજાઈ હતી. સંસ્થાનના પ્રમુખ બાબુભાઈ જે. પટેલના હસ્તે ચોકનું નામાભિધાન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમ ભક્તિમય માહોલમાં યોજાયો હતો.
ઉમિયાધામ બિલાસીયા પ્રોજેક્ટ આશરે 8 વીઘા જમીનમાં 150 કરોડના ખર્ચે નિર્માણ પામે છે. આ સંકુલમાં મા ઉમિયાજીનું ભવ્ય મંદિર, આધુનિક શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓ, પાર્ટી પ્લોટ, ભોજનાલય અને વિશ્રાંતિ ગૃહ જેવી સુવિધાઓનો સમાવેશ થશે. પ્રોજેક્ટનું સંચાલન ચેરમેન ભગુભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
આ પ્રસંગે સંસ્થાનના હોદ્દેદારો, સમાજના અગ્રણીઓ અને લગભગ 3000થી વધુ સમાજબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા. નરોડા એસ.પી. રિંગ રોડથી નજીક આવેલું ‘શ્રી ઉમિયા ચોક’ હવે શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR