

મહેસાણા, 01 એપ્રિલ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ઉનાવા ગામની સરકારી કુમાર પ્રાથમિક શાળામાં શિક્ષક કિર્તીભાઈ પટેલે વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને અનોખો પ્રયોગ કર્યો છે. ધોરણ 7ના વિદ્યાર્થીઓના ભારે દફતરનો પ્રશ્ન દૂર કરવા તેમણે નવી વ્યવસ્થા અમલમાં મૂકી, જેના કારણે દફતરનું વજન નોંધપાત્ર રીતે ઘટ્યું છે.
જૂન 2025માં 22 વિદ્યાર્થીઓના દફતરનું વજન માપતાં તે સરેરાશ 4 થી 5 કિલોગ્રામ હતું, જે નિર્ધારિત મર્યાદા કરતાં વધુ હતું. આ કારણે વિદ્યાર્થીઓમાં થાક અને પીઠ-ખભાના દુખાવાની સમસ્યાઓ દેખાતી હતી. સમસ્યાનું નિરાકરણ લાવવા શિક્ષકે ગયા વર્ષના પાઠ્યપુસ્તકો એકત્ર કરીને વિદ્યાર્થીઓને ઘરે રાખવા આપ્યા અને નવા પુસ્તકો શાળામાં જ રાખવાની વ્યવસ્થા કરી.
આ પગલાં બાદ વિદ્યાર્થીઓ માત્ર નોટબુક અને જરૂરી સામગ્રી સાથે શાળાએ આવવા લાગ્યા. પરિણામે દફતરનું વજન ઘટીને 2.1 થી 3 કિલોગ્રામ થયું, એટલે કે અંદાજે 1.5 થી 2.4 કિલોગ્રામનો ઘટાડો નોંધાયો.
આ પ્રયોગથી વિદ્યાર્થીઓના આરોગ્યમાં સુધારો જોવા મળ્યો છે અને ભણતર પ્રત્યે ઉત્સાહ વધ્યો છે. સાથે જ વહેંચણી અને સહકારની ભાવના પણ વિકસતી જોવા મળી રહી છે. ઉનાવાની આ પહેલ અન્ય શાળાઓ માટે પ્રેરણારૂપ બની શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR