નવસારીમાં તાંત્રિક વિધિ માટે ઘુવડની તસ્કરીનો ભાંડો ફૂટ્યો, ચાર આરોપી ઝડપાયા
નવસારી, 01 એપ્રિલ (હિ.સ.): નવસારી જિલ્લામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને ચીખલી વન વિભાગે સંયુક્ત કાર્યવાહી કરી ઘુવડની ગેરકાયદે હેરફેર કરતા ચાર લોકોને ઝડપી પાડ્યા છે. અધિકારીઓએ બાતમીના આધારે દરોડો પાડી આરોપીઓને કાબૂમાં લીધા હતા. ઘટનાસ્થળેથી જપ્ત
Navsari


નવસારી, 01 એપ્રિલ (હિ.સ.): નવસારી જિલ્લામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને ચીખલી વન વિભાગે સંયુક્ત કાર્યવાહી કરી ઘુવડની ગેરકાયદે હેરફેર કરતા ચાર લોકોને ઝડપી પાડ્યા છે. અધિકારીઓએ બાતમીના આધારે દરોડો પાડી આરોપીઓને કાબૂમાં લીધા હતા. ઘટનાસ્થળેથી જપ્ત કરાયેલું ઘુવડ મૃત હાલતમાં મળી આવતાં સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે.

તપાસમાં બહાર આવ્યું કે ચીખલીના કણભઈ ગામના એક વ્યક્તિને અજાણ્યા શખ્સે તાંત્રિક વિધિ માટે ઘુવડ મેળવવા રૂપિયા ત્રણ લાખનો પ્રલોભન આપ્યો હતો. ત્યારબાદ તેણે અન્ય ઓળખીતાઓનો સંપર્ક કરીને આ ગેરકાયદે વ્યવહાર ગોઠવ્યો હતો. આ સાંકળમાં એક વેટરનરી ડોક્ટર અને અન્ય શખ્સોની પણ સંડોવણી સામે આવી છે.

સુરતથી એક વ્યક્તિ દ્વારા બાઈક મારફતે પૂંઠાના બોક્સમાં ઘુવડ મોકલવામાં આવ્યું હતું. બોક્સમાં હવા અને ખોરાકની પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે પક્ષીનું મોત થયાનું માનવામાં આવે છે. ચીખલીના સાદડવેલ નજીક વેચાણ માટે ભેગા થયેલા આરોપીઓને અધિકારીઓએ ઝડપ્યા હતા.

વન વિભાગે તમામ આરોપીઓ સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે. મૃત ઘુવડનું પોસ્ટમોર્ટમ કરી નિયમ મુજબ અંતિમવિધિ પણ કરવામાં આવી છે. આ કેસમાં મુખ્ય સુત્રધાર ગણાતા એક શખ્સ હજુ ફરાર છે, જેને પકડવા માટે ટીમો તત્પર છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande