




પોરબંદર, 01 એપ્રિલ (હિ.સ.) : ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી શ્રી રુકમણીજીના પાવન વિવાહ પ્રસંગે ઉજવાતા માધવપુર ઘેડ લોકમેળોના ચોથા માધવપુર ઘેડ ખાતે ના કાર્યક્રમોના અંતિમ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમો ભવ્ય રીતે યોજાયા હતા.
માધવપુર મેળાના આજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં માંગરોળ-માળિયાના ધારાસભ્ય ભગવાનજી કરગઠીયા અને કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા.
ઉત્તર-પૂર્વ ભારતના વિવિધ રાજ્યોના કલાકારોએ પોતાના પરંપરાગત નૃત્યો અને લોકકળાઓની મનમોહક પ્રસ્તુતિ આપી હતી. આસામના કલાકારોએ કૃષ્ણ–રુક્મિણી હરણ, દાઓસરી દલાઈ તેમજ બીહુ નાચ રજૂ કરીને દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ઉપરાંત ત્રિપુરા, મિઝોરમ, મેઘાલય, મણિપુર, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડ સહિતના રાજ્યોના કલાકારોની વિવિધ પ્રસ્તુતિઓએ સમગ્ર કાર્યક્રમને ભક્તીમય બનાવી દીધો હતો.
પોતાની આગવી અને સુમધુર શૈલી માટે જાણીતા 'શ્યામ શબદ' ગ્રુપના કલાકારોની પ્રસ્તુતિઓએ સમગ્ર માધવપુર ઘેડ મેળાના માહોલને કૃષ્ણ ભક્તિમય બનાવ્યો હતો.અને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, પ્રાંત અધિકારી સંદીપ જાદવ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya