
ભાવનગર, 01 એપ્રિલ (હિ.સ.) : ભાવનગર જિલ્લામાં પોલીસ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ સામે સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તેવી જ એક મહત્વપૂર્ણ કામગીરીમાં ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.) દ્વારા મહુવા વિસ્તારમાં જુગાર રમતા ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે.
માહિતી મુજબ, એલ.સી.બી. પોલીસ સ્ટાફ શહેર વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે મહુવા ભાદ્રોડ ઝાપાથી જાફરી સ્કૂલ તરફ જતાં રોડ ઉપર ખુલ્લી જગ્યામાં અમુક ઇસમો ગોળમાં બેસીને ગંજીપત્તાના પાનાં વડે હાથકાંપનો હારજીતનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીને આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર રેઇડ યોજી હતી. રેઇડ દરમિયાન પોલીસે પાંચ ઇસમોને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી કુલ રૂ. 12,400 જેટલી રોકડ રકમ તેમજ જુગાર રમવામાં ઉપયોગી સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. આ તમામ આરોપીઓ વિરુદ્ધ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક કાયદાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓમાં જેદ સૈયદભાઇ હમદાણી (ઉ.વ. 23), અબ્દુલકરીમ રજાકભાઇ બાગોત (ઉ.વ. 26), સાજીદ નાઈરભાઇ બાગોત (ઉ.વ. 35), વાહીદ કરીમભાઇ મોરખ (ઉ.વ. 63) અને આસીફ રહીમભાઇ કલાણીયા (ઉ.વ. 27)નો સમાવેશ થાય છે. જ્યારે આસીફ ઉર્ફે નાગણી ઉસ્માનભાઇ કાળવાતર હાલ ફરાર છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે.
પોલીસની આ કામગીરીથી વિસ્તારમાં જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વોમાં ભયનો માહોલ સર્જાયો છે. સાથે જ સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બની છે. પોલીસ દ્વારા આવી કાર્યવાહી આગળ પણ સતત ચાલુ રાખવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT