
અમરેલી, 01 એપ્રિલ (હિ.સ.) : અમરેલી જિલ્લાને ગૌરવ અપાવતી એક મહત્વપૂર્ણ સિદ્ધિ સામે આવી છે. જિલ્લા વિદ્યાસભા સંચાલિત કમાણી સાયન્સ કોલેજના બે તેજસ્વી વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરની પ્રતિષ્ઠિત IIT JAM 2026 પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરીને કોલેજ અને જિલ્લાનું નામ રોશન કર્યું છે.
કોલેજમાં B.Sc. સેમેસ્ટર-૬માં અભ્યાસ કરતા ધાધલ ઉર્વશી રણજીતભાઈ અને ડાભી મહેશ હિમ્મતભાઈએ ગણિત વિષય સાથે આ કઠિન પરીક્ષા ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે પાસ કરી છે. IIT JAM જેવી સ્પર્ધાત્મક પરીક્ષા માટે દેશભરના હજારો વિદ્યાર્થીઓ પ્રયાસ કરતા હોય છે, જેમાં સફળતા મેળવવી ગૌરવની વાત માનવામાં આવે છે.
આ બંને વિદ્યાર્થીઓએ પોતાની સતત મહેનત, નિયમિત અભ્યાસ અને કોલેજના પ્રોફેસરોના માર્ગદર્શનથી આ સિદ્ધિ મેળવી છે. કોલેજના શિક્ષકમંડળ અને સંચાલકોએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમની ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી છે. આ સફળતા અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની છે અને અમરેલી જિલ્લામાં શિક્ષણક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai