
પાટણ, 01 એપ્રિલ (હિ.સ.) : પાટણ શહેરના પીપળા શેરી વિસ્તારમાં ૩૦ માર્ચના રોજ દુકાનની માલિકી હકને લઈને વેપારીઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું હતું. આ બનાવમાં બંને પક્ષના બે લોકોને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અનિલભાઈ શાંતિલાલે ફરિયાદમાં જણાવ્યું કે તેઓ સવારે પોતાની જ્વેલર્સ દુકાને પહોંચ્યા ત્યારે હેમંતભાઈ પરીખ અને રવિભાઈ ખમાર સાથે બોલાચાલી થઈ હતી. વિવાદ વધતા બંનેએ તેમને ગાળો આપી માર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમને ૧૦૮ મારફતે ધારપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
બીજી તરફ, હેમંતભાઈ અશોકકુમારે પણ સામસામી ફરિયાદ નોંધાવી હતી. તેમણે આરોપ લગાવ્યો કે અનિલભાઈ અને તેમના પરિવારજનો દુકાન પોતાની હોવાનું કહી બોલાચાલી કરવા લાગ્યા અને બાદમાં તેમને માર મારી દુકાનમાંથી બહાર કાઢી મુક્યા હતા.
આ હુમલામાં હેમંતભાઈને ખભા અને કમરના ભાગે ઈજાઓ પહોંચી હતી. તેમને પ્રથમ પાટણ સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ અને બાદમાં ધારપુર સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયા હતા. પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ