જામનગરમાં પાર્ટી પ્લોટમાં ઘુસી તોડફોડ અને ચોરી: રૂ.1.35 લાખથી વધુનું નુકસાન, 4 સામે ફરિયાદ
જામનગર, 01 એપ્રિલ (હિ.સ.) : જામનગર શહેરના ગાંધીનગર વિસ્તારમાં આવેલા આશાપુરા પાર્ટી પ્લોટમાં મધરાત્રી દરમિયાન તોડફોડ અને ચોરીની ગંભીર ઘટના સામે આવી છે. સીટી “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ મામલે 4 સામે ગુનો નોંધાયો છે. પોલીસ ફરિયાદ મુજબ, તા.31/03/202
ફરિયાદ


જામનગર, 01 એપ્રિલ (હિ.સ.) : જામનગર શહેરના ગાંધીનગર વિસ્તારમાં આવેલા આશાપુરા પાર્ટી પ્લોટમાં મધરાત્રી દરમિયાન તોડફોડ અને ચોરીની ગંભીર ઘટના સામે આવી છે. સીટી “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ મામલે 4 સામે ગુનો નોંધાયો છે.

પોલીસ ફરિયાદ મુજબ, તા.31/03/2026ના રોજ વહેલી સવારે 03:30 થી 03:45 વાગ્યાની વચ્ચે ગાંધીનગર શિવશાઇ સોસાયટી પાસે આવેલી પાર્ટી પ્લોટમાં આરોપીઓએ ઘૂસી તોડફોડ મચાવી હતી. ફરિયાદી પ્રદીપસિંહ ભનુભા ચુડાશમા (ઉંમર 34, ધંધો: પાર્ટી પ્લોટ અને મંડપ સર્વિસ)એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, આરોપીઓ સાથે ચાર વર્ષ જૂનો વિવાદ ચાલી રહ્યો હતો. આ જૂની તકરારને કારણે આરોપીઓ વારંવાર બોલાચાલી કરતા હતા. ઘટના દિવસે આરોપીઓ ક્રીપાલસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, શક્તિસિંહ જાડેજા તથા એક અજાણ્યા ઇસમએ ગેરકાયદેસર રીતે પાર્ટી પ્લોટમાં પ્રવેશ કર્યો હતો. લાકડાના ઘોકા અને લોખંડના પાઇપ સાથે સજ્જ આરોપીઓએ ઓફિસમાં રાખેલા સામાનમાં તોડફોડ કરી હતી.

આ દરમિયાન એલ.જી. કંપનીનું 32 ઇંચનું ટીવી, ફ્રિજ, એસી, બારીઓના કાચ અને કુલ 4 સી.સી.ટી.વી. કેમેરા તોડી નાખવામાં આવ્યા હતા. સાથે જ ડી.વી.આર. મશીન (આશરે રૂ.30,000 કિંમતનું) ચોરી કરી લઈ ગયા હતા. કુલ મળીને આશરે રૂ.1,35,000 જેટલું નુકસાન થયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

આ બનાવમાં આરોપીઓએ એકબીજાની મદદથી ગુનો આચરી તેમજ જાહેરનામાનો ભંગ પણ કર્યો હતો. બનાવ બાદ તમામ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસે બી.એન.એસ.ની કલમ 303(2), 329(2), 324(5), 54 તથા જી.પી.એક્ટ કલમ 135(1) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande