


ગાંધીનગર, 01 એપ્રિલ (હિ.સ.) : સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડી સંચાલિત એસ.વી. કોલેજ ઓફ એજ્યુકેશન અને સૂરજબા કોલેજ ઓફ એજ્યુકેશનના સંયુક્ત ઉપક્રમે 24મા વાર્ષિક સમારંભ તથા “ભૂતપૂર્વ તાલીમાર્થી સ્નેહ સંમેલન–2026”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે વર્ષ 2003ના ભૂતપૂર્વ તાલીમાર્થી અને હાલમાં વહીવટદાર તથા અધિક કલેક્ટર, આરાસુરી માતા અંબાજી ટ્રસ્ટ તેમજ અંબાજી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના સી.ઈ.ઓ. કૌશિકભાઈ મોદી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના પ્રેરક વક્તવ્યમાં કોલેજના સંસ્કાર, મૂલ્યો અને જીવનમાં તેમની પ્રાસંગિકતા અંગે ઉંડાણપૂર્વક વિચાર રજૂ કર્યો હતો.
વિશેષ અતિથિ તરીકે સી.એન. આર્ટ્સ એન્ડ બી.ડી. કોમર્સ કોલેજના આચાર્ય ડો. જી.ડી. ત્રિપાઠી સાહેબે હાજરી આપી તાલીમાર્થીઓને પ્રેરણા આપતાં જણાવ્યું કે સર્વ વિદ્યાલય કેમ્પસમાં અભ્યાસ કરવો એ ગૌરવની સાથે જીવન ઘડતરનો સોનેરી અવસર છે. કાર્યક્રમના ઉદ્ઘાટન કડી સર્વ વિશ્વવિદ્યાલયના ઇનચાર્જ ડાયરેક્ટર પ્રો. ગર્ગીબેન રાજપરા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે તાલીમાર્થીઓને ભાવિ જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
કાર્યક્રમ દરમિયાન અભ્યાસિક તથા સહઅભ્યાસિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર તાલીમાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અને આકર્ષક સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆતથી માહોલ ઉમંગમય બન્યો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ભૂતપૂર્વ તાલીમાર્થીઓને પણ તેમની વિશિષ્ટ સિદ્ધિઓ બદલ સન્માનપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંકલન આચાર્ય ડો. ભાવિક એમ. શાહના માર્ગદર્શન હેઠળ વાર્ષિકોત્સવના કો.ઓર્ડિનેટર ડૉ. તેજસ ઠક્કર, ભૂતપૂર્વ તાલીમાર્થી મંડળ કો.ઓર્ડિનેટર ડો. અલકા પંચાલ તથા સાંસ્કૃતિક પ્રવૃતિના કો.ઓર્ડિનેટર ડૉ. મનિષા જાદવ દ્વારા સુચારૂ રીતે કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ