
પટના, નવી દિલ્હી, 10 એપ્રિલ (હિ.સ.) મુખ્યમંત્રી નીતીશકુમાર આજે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લેશે. આ સંબંધમાં તેઓ ગુરુવારે જ પટનાથી દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હી પહોંચ્યા બાદ નીતીશે કહ્યું હતું કે, તેઓ આગામી ચાર-પાંચ દિવસમાં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દેશે. નીતીશકુમારના નિવેદન બાદ બિહારના રાજકારણમાં હલચલ તેજ થઈ ગઈ છે.
નીતીશકુમારના શપથ ગ્રહણ બાદ રાજ્યના નવા મુખ્યમંત્રીનું નામ આજે નક્કી થઈ શકે છે. નવી સરકારની રચના અંગે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના ટોચના નેતાઓની એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે, જેમાં બિહારના રાજકીય ભવિષ્ય અંગે મોટા નિર્ણયો લેવાની શક્યતા છે. બિહાર ભાજપના કોર ગ્રૂપની મહત્વપૂર્ણ બેઠક આજે સાંજે 6 વાગ્યે બિહાર ભાજપના પ્રભારી વિનોદ તાવડેના નિવાસસ્થાને યોજાવાની છે.
ભાજપની આ બેઠકમાં બિહારના રાજકીય ભવિષ્ય પર ચર્ચા કરવામાં આવશે. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન અને કોર ગ્રૂપના અન્ય સભ્યો સાથે ભાગ લેશે. આ બેઠકમાં બિહારના સહ-પ્રભારી, બંને સંગઠન મંત્રીઓ, પ્રદેશ અધ્યક્ષ તેમજ રાજ્યના બંને નાયબ મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત બિહાર સાથે સંકળાયેલા અન્ય વરિષ્ઠ નેતાઓને પણ બોલાવવામાં આવ્યા છે, જેથી નવા મુખ્યમંત્રીના નામ પર વ્યાપક સર્વસંમતિ બની શકે.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, આજની બેઠક બિહારના રાજકારણની દિશા નક્કી કરી શકે છે. હવે બધાની નજર ભાજપ નેતૃત્વ કયા નામને અંતિમ સ્વરૂપ આપે છે અને રાજ્યના આગામી મુખ્યમંત્રી કોણ બનશે તેના પર છે.
હિન્દુસ્થાન સમાચાર/ચંદા કુમારી/સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ