બંગાળમાં સરકાર બનશે તો દરેક ઘૂસણખોરને રાજ્યમાંથી બહાર ફેંકી દેવામાં આવશેઃ અમિત શાહ
કોલકતા, નવી દિલ્હી, 10 એપ્રિલઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના વરિષ્ઠ નેતા અમિત શાહે, શુક્રવારે પશ્ચિમ બંગાળમાં આગામી બે તબક્કાની વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનું ''સંકલ્પ પત્ર'' બહાર પાડ્યું. ઘોષણાપત્રમાં ઘૂસણખોરી પર કડક કાર્ય
અમિત શાહે વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનું 'સંકલ્પ પત્ર' બહાર પાડ્યું.


કોલકતા, નવી દિલ્હી, 10 એપ્રિલઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના વરિષ્ઠ નેતા અમિત શાહે, શુક્રવારે પશ્ચિમ બંગાળમાં આગામી બે તબક્કાની વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનું 'સંકલ્પ પત્ર' બહાર પાડ્યું. ઘોષણાપત્રમાં ઘૂસણખોરી પર કડક કાર્યવાહી, પારદર્શક ભરતી પ્રણાલી, આર્થિક વિકાસ અને મહિલા સશક્તિકરણને મુખ્ય પ્રાથમિકતાઓ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે.

ઘોષણાપત્ર બહાર પાડ્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, જો આ વખતે રાજ્યમાં ભાજપની સરકાર બનશે તો ઘૂસણખોરીના મુદ્દે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, 'ઓળખ કરો, દૂર કરો અને દેશનિકાલ કરો' ની નીતિ હેઠળ દરેક ઘૂસણખોરને રાજ્યમાંથી હાંકી કાઢવામાં આવશે, જેનાથી માત્ર રાજ્યની જ નહીં પરંતુ સમગ્ર દેશની સુરક્ષા સુનિશ્ચિત થશે. તેણે આંતરરાષ્ટ્રીય સરહદોની સુરક્ષા અને પશુઓની દાણચોરી પર કડક પ્રતિબંધ મૂકવાની પણ હાકલ કરી હતી.

રાજ્યમાં ભરતી પ્રક્રિયા અંગે તેમણે જણાવ્યું હતું કે, એક પારદર્શક અને ભ્રષ્ટાચાર મુક્ત વ્યવસ્થા વિકસાવવામાં આવશે જેમાં તમામ ખાલી પડેલી સરકારી જગ્યાઓ માત્ર યોગ્યતાના આધારે જ ભરવામાં આવશે. નોકરી માટે રોકડ જેવી અનિયમિતતાઓ સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે. તેમણે કાયમી નોકરીઓને પ્રાથમિકતા આપવાની પણ વાત કરી હતી.

યુવાનો માટે ઘોષણાપત્રમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે 15,000 રૂપિયાની સહાયનું વચન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ભ્રષ્ટાચારને કારણે નોકરીથી વંચિત રહેલા ઉમેદવારોને વય મર્યાદામાં પાંચ વર્ષ સુધીની છૂટ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

આર્થિક વિકાસના સંદર્ભમાં ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યની નાણાકીય સ્થિતિને મજબૂત કરવા માટે મોટા રોકાણ આકર્ષવામાં આવશે, જેનાથી રોજગારીની તકોનું સર્જન થશે. જમીન નીતિમાં પરિવર્તનનો સંકેત આપતા તેમણે ઉદ્યોગો માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવાની વાત કરી હતી.

તેમણે માહિતી આપી હતી કે, રાજ્યમાં ચાર નવી સેટેલાઇટ ટાઉનશીપ વિકસાવવામાં આવશે, જેના સ્થાનો પછીથી નક્કી કરવામાં આવશે. પૂર્વ મેદિનીપુર જિલ્લામાં હલ્દિયા બંદરના વિકાસ માટે વિશેષ યોજના તૈયાર કરવામાં આવી છે. તાજપુર અને કુલ્પી ખાતે ઊંડા દરિયાઈ બંદરો વિકસાવવાની પણ યોજના છે. ચા અને શણ ઉદ્યોગને પણ પ્રોત્સાહન આપવામાં આવશે અને પશ્ચિમ બંગાળને નીલ અર્થતંત્ર ક્ષેત્રમાં મુખ્ય નિકાસ કેન્દ્ર બનવાનું લક્ષ્ય છે.

ઘોષણાપત્રમાં મહિલાઓ માટે 100 ટકા મફત પરિવહનનું વચન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત મહિલાઓ સામેના ગુનાઓની તપાસ નિવૃત્ત ન્યાયાધીશોની વિશેષ સમિતિ દ્વારા કરવામાં આવશે.

ઘોષણાપત્રમાં રાજ્યની તમામ સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામત લાગુ કરવાનું પણ વચન આપવામાં આવ્યું છે. દરેક મંડળમાં મહિલા પોલીસ સ્ટેશન અને દરેક પોલીસ જિલ્લામાં મહિલા ડેસ્કની સ્થાપના કરવામાં આવશે. મહિલાઓ માટે દિવસ અને રાત બંને સમયે સલામત કામનું વાતાવરણ સુનિશ્ચિત કરવાની ખાતરી પણ આપવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર /ઓમ પરાશર/અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande