
ઢાકા, નવી દિલ્હી, 17 એપ્રિલ (હિ.સ.). બાંગ્લાદેશમાં ચટ્ટોગ્રામ (જૂનું નામ ચટગાંવ) ની એક અદાલતે પ્રખ્યાત હિન્દુ સંત ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીને એક કેસમાં જામીન મંજૂર કર્યા છે. ચિન્મય બ્રહ્મચારી નવેમ્બર 2024 થી જેલના સળિયા પાછળ છે. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શખાવત હુસૈને ગુરુવારે જામીનનો આદેશ જારી કર્યો હતો. હિન્દુ સંત વિરુદ્ધ અનેક કેસ નોંધાયેલા છે, તેથી અત્યારે તેમણે ન્યાયિક કસ્ટડીમાં જ રહેવું પડશે. તેમને ચટ્ટોગ્રામ જેલમાં રાખવામાં આવ્યા છે. આ અગાઉ તેમને ઢાકા હાઈકોર્ટમાંથી બહુચર્ચિત દેશદ્રોહના કેસમાં જામીન મળી ચૂક્યા છે.
ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, જે કેસમાં હિન્દુ સંતને જામીન આપવામાં આવ્યા છે, તે બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી) ના નેતા અને પૂર્વ મંત્રી મીર મોહમ્મદ નાસિર ઉદ્દીન દ્વારા 2023 માં દાખલ કરવામાં આવ્યો હતો. તેમણે પોતાની ફરિયાદમાં બ્રહ્મચારી પર હથજારી ઉપજિલ્લાના મેખલા વિસ્તારમાં જમીન પચાવી પાડવા, ધમકી આપવા અને મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ કેસમાં ચિન્મય કૃષ્ણ દાસ અને અન્ય પાંચ લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. બ્રહ્મચારી વિરુદ્ધ વકીલ સૈફુલ ઈસ્લામ અલીફની હત્યાનો કેસ પણ ચાલી રહ્યો છે. તેમના પર ઓછામાં ઓછા અન્ય છ કેસ પણ વિચારાધીન છે. અદાલતે 7 એપ્રિલના રોજ બીએનપી નેતા નાસિર ઉદ્દીનના કેસમાં હિન્દુ સંતની ઔપચારિક ધરપકડ કરવાની અરજીને મંજૂરી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, 26 નવેમ્બર, 2024 ના રોજ રાષ્ટ્રધ્વજના કથિત અપમાનને લઈને દેશદ્રોહનો કેસ સામે આવ્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. આ દરમિયાન વકીલ સૈફુલ ઈસ્લામ અલીફની ભીડ દ્વારા મારપીટ કરીને અને છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ તેમના પિતા જમાલ ઉદ્દીને 31 લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાવ્યો હતો. વકીલ હત્યા કેસમાં તેમની જામીન અરજી અનેકવાર ફગાવી દેવામાં આવી છે. અન્ય કેસોમાં તેમના પર હત્યા, પોલીસ પર હુમલો, તોડફોડ અને ન્યાયમાં અવરોધ ઊભો કરવા જેવા આરોપો સામેલ છે.
1 જુલાઈ, 2025 ના રોજ પોલીસે વકીલ સૈફુલ ઈસ્લામ અલીફની હત્યાના સંબંધમાં ચિન્મય અને અન્ય 38 લોકો વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ અગાઉ 2 જાન્યુઆરીના રોજ અદાલતે હિન્દુ સંત ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીની વકીલ હત્યા કેસમાં જામીન અરજી ફગાવી દીધી હતી. ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીને ઢાકા મેટ્રોપોલિટન પોલીસની ડિટેક્ટિવ બ્રાન્ચ (જાસૂસી શાખા) દ્વારા 25 નવેમ્બર, 2024 ની સાંજે 4:30 વાગ્યે હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી અટકાયતમાં લેવામાં આવ્યા હતા. ત્યારથી બ્રહ્મચારી જેલમાં બંધ છે.
બ્રહ્મચારીની ધરપકડના વિરોધમાં ઢાકાના શાહબાગ અને ચટગાંવમાં ઘણા દિવસો સુધી લોકોએ પ્રદર્શન કર્યું હતું. લગભગ 40 વર્ષીય હિન્દુ સંત ચિન્મય દેશદ્રોહના ગંભીર આરોપોનો સામનો કરી રહ્યા છે. દેશદ્રોહના કેસમાં તેમને એપ્રિલ 2025 માં ઢાકા હાઈકોર્ટમાંથી જામીન મળી ચૂક્યા છે. ચિન્મય મૂળ ચટગાંવના સતકનિયા ઉપજિલ્લાના રહેવાસી છે. તેઓ 2007 થી ચટગાંવના હથજારી સ્થિત પુંડરીક ધામના વડા રહ્યા છે. તેઓ સનાતન જાગરણ મંચના સ્થાપક છે. મંચે બાંગ્લાદેશમાં હિન્દુઓના ઉત્પીડનનો મુદ્દો પ્રમુખતાથી ઉઠાવ્યો છે. આ ઘટનાએ બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાયની સુરક્ષાને લઈને ઘણી ચિંતાઓ પેદા કરી હતી. ભારત સરકારે આ અંગે પોતાની ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ