પશ્ચિમ બંગાળના માલદામાં મતદાર યાદી અંગે અંધાધૂંધી: આઠ કલાક પછી મોડી રાત્રે સાત અધિકારીઓને મુક્ત કરાયા
કોલકતા, નવી દિલ્હી, 2 એપ્રિલ (હિ.સ.): પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં, કાલિયાચક-2 બ્લોક ડેવલપમેન્ટ ઓફિસમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) કાર્યમાં રોકાયેલા સાત ન્યાયિક અધિકારીઓને, પોલીસે બુધવારે મોડી રાત્રે લગભગ આઠ કલાકની ઘેરાબંધી બાદ સુરક્ષિત
માલદામાં મતદાર યાદી અંગે અંધાધૂંધી


કોલકતા, નવી દિલ્હી, 2 એપ્રિલ (હિ.સ.): પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં, કાલિયાચક-2 બ્લોક ડેવલપમેન્ટ ઓફિસમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) કાર્યમાં રોકાયેલા સાત ન્યાયિક અધિકારીઓને, પોલીસે બુધવારે મોડી રાત્રે લગભગ આઠ કલાકની ઘેરાબંધી બાદ સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. મતદાર યાદીમાંથી નામ કાઢી નાખવાના આરોપોને કારણે આ વિરોધ થયો હતો.

અહેવાલો અનુસાર, કાલિયાચક, મોથાબાડી અને સુજાપુર વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનો ત્યારે ફાટી નીકળ્યા જ્યારે લઘુમતી સમુદાયના કેટલાક સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો કે, માન્ય દસ્તાવેજો હોવા છતાં તેમના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. આમાંના મોટાભાગના વ્યક્તિઓ શાસક તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છે. વિરોધીઓએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 12 ના કેટલાક ભાગોને પણ અવરોધિત કર્યા અને ચૂંટણી પહેલા યાદીમાં સુધારાની માંગ કરી.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ત્રણ મહિલા અધિકારીઓ સહિત સાત ન્યાયિક અધિકારીઓ એસઆઈઆર કાર્ય માટે બ્લોક ઓફિસ પહોંચ્યા હતા. વિરોધીઓએ બપોર પછી ઘેરાબંધી શરૂ કરી. બાદમાં પોલીસ સુરક્ષા હેઠળ તેમને મધ્યરાત્રિ પછી બહાર કાઢવામાં આવ્યા. બચાવ કામગીરી દરમિયાન પોલીસ કાફલા પર હુમલો કરવાનો પ્રયાસ થયો હોવાના અહેવાલો પણ મળ્યા હતા. ઘટનાસ્થળેથી મળેલા ફૂટેજમાં વાહનની અંદર તૂટેલા કાચ દેખાય છે.

આ ઘટના પર પ્રતિક્રિયા આપતા, કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સુકાંત મજુમદારે, આ ઘટના માટે તૃણમૂલ કોંગ્રેસના નેતૃત્વને દોષી ઠેરવ્યું. તેમણે આરોપ લગાવ્યો કે, મુખ્યમંત્રી મમતા બેનર્જી અને અન્ય નેતાઓ દ્વારા એસઆઈઆર મુદ્દે કથિત ઉશ્કેરણીજનક નિવેદનોને કારણે પરિસ્થિતિ ઊભી થઈ.

તૃણમૂલ કોંગ્રેસના નેતા કુણાલ ઘોષે જણાવ્યું કે, તેમનો પક્ષ કાયદો પોતાના હાથમાં લેવાનું સમર્થન કરતો નથી. તેમણે સમગ્ર ઘટના માટે ભારતના ચૂંટણી પંચને જવાબદાર ઠેરવ્યું અને આરોપ લગાવ્યો કે, ભાજપ દ્વારા સમર્થિત કેટલાક નાના પક્ષો અશાંતિ ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

પોલીસ અને વહીવટી અધિકારીઓએ જણાવ્યું કે, રસ્તા પરનો નાકાબંધી હટાવવા માટે પ્રદર્શનકારીઓ સાથે અનેક રાઉન્ડની વાતચીત થઈ છે. સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે, જોકે હાલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર વિગતવાર ટિપ્પણીઓ કરવામાં આવી નથી.

હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande