
કોલકતા, નવી દિલ્હી, 2 એપ્રિલ (હિ.સ.): પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન, તૃણમૂલ કોંગ્રેસના વડા અને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ, ગુરુવારે મુર્શિદાબાદ જિલ્લાના સુતીમાં એક જાહેર રેલીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર આકરા પ્રહારો કર્યા. તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર, માલદામાં હિંસાનું આયોજન કરવાનો આરોપ લગાવ્યો અને મતદારોને શાંતિ જાળવવા અપીલ કરી.
તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર ઈમાની બિશ્વાસના સમર્થનમાં એક રેલીને સંબોધતા મમતા બેનર્જીએ કહ્યું કે, ભાજપ ચૂંટણી જીતવા માટે બળનો ઉપયોગ કરવા માંગે છે, પરંતુ રાજ્યના લોકો આને મંજૂરી આપશે નહીં. તેમણે લોકોને કોઈપણ પ્રકારની હિંસા કે ઉશ્કેરણીનો ભોગ ન બનવા વિનંતી કરી.
મુખ્યમંત્રીએ કહ્યું કે, તેઓ કોઈપણ પ્રકારની અશાંતિને સમર્થન આપતા નથી અને રાજ્યમાં શાંતિ જાળવી રાખવી જરૂરી છે. માલદામાં તાજેતરની ઘટનાઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, તેમનો પક્ષ હિંસા માટે જવાબદાર નથી અને તેની પાછળ રાજકીય કાવતરું હોઈ શકે છે.
મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે, ભાજપ અને કેન્દ્ર સરકાર લોકશાહીને નબળી પાડવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે, ચૂંટણી પહેલા મતદાર યાદીઓના અમલીકરણ કાર્યવાહી અને ખાસ સઘન સુધારણા (એસઆઈઆર) જેવા પગલાં દ્વારા રાજકીય દબાણ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
તેમણે દાવો કર્યો હતો કે, ભવાનીપુર મતવિસ્તારમાં, આશરે 40,000 મતદારોના નામ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે, જેમાં મોટી સંખ્યામાં લઘુમતી અને મહિલાઓનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રીએ તેમના ભાષણમાં રાજ્ય સરકારની યોજનાઓનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે કાચાં ઘરોને પાકા ઘરમાં રૂપાંતરિત કરવા અને દરેક ઘરમાં પીવાનું પાણી પૂરું પાડવાનું કામ ચાલુ રહેશે. તેમણે કહ્યું કે, એક કરોડ પરિવારોને પહેલાથી જ પાણી પૂરું પાડવામાં આવ્યું છે, અને આ સુવિધા બાકીના પરિવારોને પણ આપવામાં આવશે.
મમતા બેનર્જીએ કહ્યું કે, રાજ્યની ભાષા, સંસ્કૃતિ અને સામાજિક સંવાદિતાનું રક્ષણ કરવા માટે તૃણમૂલ કોંગ્રેસ એકમાત્ર વિકલ્પ છે.
હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ