
સુરત, 24 એપ્રિલ (હિ.સ.) : સુરતના સારોલી વિસ્તારમાં માનવતાને શરમાવે એવી ગંભીર ઘટના સામે આવી છે, જેમાં માત્ર 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ બનાવમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપી મોજબ્બીર મોહમ્મદ હસામુદીનને ધરપકડ કરી છે. ઘટનાએ સમગ્ર વિસ્તારમાં આક્રોશ અને ચિંતા ફેલાવી દીધી છે.
માહિતી મુજબ, ઘટના ત્યારે બની જ્યારે બાળકીના માતા-પિતા કામમાં વ્યસ્ત હતા અને બાળકી ઘરમાં એકલી હતી. આરોપીએ આ તકનો લાભ લઈને અગાસી પરથી ઘરમાં પ્રવેશ કર્યો અને બાળકી સાથે દુર્વ્યવહાર કર્યો. પરંતુ બાળકીની માતા અચાનક ઘરે પરત ફરતા આરોપી રંગેહાથ ઝડપાઈ ગયો. સ્થાનિક લોકોએ તેને પકડી પોલીસને સોંપ્યો હતો.
આ ઘટના પહેલાં પણ આ વિસ્તારમાં આવી જ ઘટનાઓ બની ચુકી હોવાના કારણે રહેવાસીઓમાં સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. પોલીસ દ્વારા આરોપી સામે કડક કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જ્યારે સ્થાનિકોમાં ન્યાય અને સુરક્ષાની માંગ ઉગ્ર બની રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે