શાંતિપૂર્ણ વાતાવરણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ
ગીર સોમનાથ, 24 એપ્રિલ (હિ.સ.) : જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એન.વી.ઉપાધ્યાયે તા. ૨૬ એપ્રિલના રોજ ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા-તાલુકા પંચાયતની ૧૫૬ બેઠકો અને ૪ નગરપાલિકાની ૧૨૮ બેઠકો માટે યોજાનાર ચૂંટણી અંગેની તૈયારીઓ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી જણા
શાંતિપૂર્ણ વાતાવરણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ


ગીર સોમનાથ, 24 એપ્રિલ (હિ.સ.) : જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એન.વી.ઉપાધ્યાયે તા. ૨૬ એપ્રિલના રોજ ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા-તાલુકા પંચાયતની ૧૫૬ બેઠકો અને ૪ નગરપાલિકાની ૧૨૮ બેઠકો માટે યોજાનાર ચૂંટણી અંગેની તૈયારીઓ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે, શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય તે માટે વહીવટી તંત્ર સજ્જ છે.

કલેક્ટરએ પત્રકારોને જિલ્લામાં ચૂંટણીલક્ષી તૈયારીઓ વિશે જણાવતા કહ્યું હતું કે, ૨૬ એપ્રિલના રોજ તાલુકા-જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાઓની ચૂંટણીમાં મતદાન થવાનું છે. જેમાં મતદાનનો સમય સવારે ૦૭.૦૦ થી સાંજે ૦૬.૦૦ સુધીનો રહેશે. તમામ મતદારોએ મોડામાં મોડું સાંજે ૦૬.૦૦ પહેલા મતદાન મથકમાં હોવું ફરજિયાત છે.

તાલુકા-જિલ્લા પંચાયત વિશે વિગતો આપતા કલેક્ટરએ જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતની કુલ ૨૮ બેઠકો અને ૮૫ ઉમેદવાર છે. જ્યારે તાલુકા પંચાયતની કુલ ૧૨૮ બેઠકો અને ૩૫૪ ઉમેદવારો છે. જયારે ૧૬-સૂત્રાપાડા બંદર અને ૧૯ સનખડા (ઉના) બીનહરીફ થયેલ છે.

મતદાન મથકોની સંખ્યા ૮૧૫ છે. સંવેદનશીલ મતદાન મથકો ૩૬૦ અને અતિસંવેદનશીલ મતદાન મથકો ૯ છે. ચૂંટણીપ્રક્રિયામાં ૧૮૫૦ ઈ.વી.એમ.નો ઉપયોગ થશે અને આશરે ૫૦૦૦ જેટલા પોલિંગ સ્ટાફ ચૂંટણી પ્રક્રિયામાં ફરજ બજાવશે. છ તાલુકામાં નિયત સ્થળોએ રિસિવિંગ-ડિસ્પેચિંગ સેન્ટર તેમજ કાઉન્ટિંગ સેન્ટર આવેલા છે.

નગરપાલિકાની ચૂંટણી અંગે માહિતગાર કરતા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, વેરાવળ-પાટણ, તાલાલા, સૂત્રાપાડા તેમજ ઉના નગરપાલિકા અંતર્ગત કુલ ૧૨૮ બેઠકો છે. જે પૈકી ૮ ઉના નગરપાલિકા, ૧ વેરાવળ-પાટણ અને ૧ સૂત્રાપાડા આમ કુલ ૧૦ બેઠકો બીનહરીફ થયેલી છે.

મતદાન મથકોની સંખ્યા ૧૯૫ છે. સંવેદનશીલ મતદાન મથકો ૯૭ અને અતિસંવેદનશીલ મતદાન મથકો ૧૧ છે. ચૂંટણીપ્રક્રિયામાં ૨૬૨ ઈ.વી.એમ.નો ઉપયોગ થશે વેરાવળ-પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર ૨માં ૧૬ ઉમેદવાર હોવાથી બે બેલેટ યુનિટનો ઉપયોગ કરવામાં આવશે અને ૧૦૮૫ જેટલો પોલિંગ સ્ટાફ ચૂંટણી પ્રક્રિયામાં ફરજ બજાવશે. વેરાવળ, તાલાળા, સૂત્રાપાડા અને ઉના નગરપાલિકાના ૪ સેન્ટર પર રિસિવિંગ-ડિસ્પેચિંગ સેન્ટર તેમજ કાઉન્ટિંગ સેન્ટર નિયત કરાયા છે. આમ તાલાલા-જિલ્લા અને નગરપાલિકાના કુલ ૧૦ સેન્ટર પર મતગણતરી કરવામાં આવશે.

મતદારો માટેની વ્યવસ્થા અંગે કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, જિલ્લા-તાલુકા પંચાયત માટે કુલ મતદારો ૬,૯૮,૬૪૬ છે. જ્યારે નગરપાલિકા માટે ૨,૦૬,૯૧૦ મતદારો ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી બનશે. ત્યારે, ગરમીની ઋતુમાં જ્યાં તડકો આવતો હોય ત્યાં જરુરી વ્યવસ્થા હોય તેવા સ્થળોએ પંડાલ ઉભા કરવામાં આવ્યાં છે. જેથી મતદારોને તડકાથી રક્ષણ મળે. દરેક મતદાન મથકમાં પીવાનું પાણી અને ડિહાઈડ્રેશનથી બચાવ માટે ઓ.આર.એસ. જેવી આરોગ્યલક્ષી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દિવ્યાંગ મતદારો માટે વ્હીલચેર તેમજ એક મદદનીશની વ્યવસ્થા કરવામાં આવી છે. આમ, મતદારોને યોગ્ય વાતાવરણમાં મતદાન કરવાની સુવિધા મળે એ માટે રાજ્ય ચૂંટણીપંચની સૂચના અનુસાર તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

આચારસંહિતાનો ઉલ્લેખ કરતા કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, આદર્શ આચારસંહિતાના અમલ માટે કંટ્રોલરુમ કાર્યરત કરાયો છે. જેનો નંબર ૦૨૮૭૬-૨૮૫૨૫૧ છે અને આચારસંહિતાના અમલીકરણ માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકની નિમણૂક કરાઈ છે.

ઉમેદવારોના ચૂંટણી માટેના ખર્ચની મર્યાદા વિશે કલેક્ટરશ્રીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતના દરેક મતદાર વિભાગના ઉમેદવારો માટે રુ. ૬ લાખ, તાલુકા પંચાયતના દરેક મતદાર વિભાગના ઉમેદવાર માટે રુ. ૩ લાખ તેમજ એક થી નવ વોર્ડ ધરાવતી નગરપાલિકા દરેક વોર્ડના ઉમેદવાર માટે રુ. ૨.૨૫ લાખ અને નવ વોર્ડ થી વધુ માટે દરેક વોર્ડના ઉમેદવાર માટે રુ. ૩.૫૦ લાખ ખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવી છે.

વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરી લોકશાહીના પર્વમાં ભાગ લેવા માટે નાગરિકોને અપીલ કરતા તેમણે જણાવ્યું હતું કે, તમામ મતદારોએ પોતાનું ચૂંટણી ઓળખકાર્ડ લઈ જવું ફરજિયાત છે. જો ચૂંટણી કાર્ડ ન ધરાવતા હોય તો ફોટા સાથેનો પાસપોર્ટ, ફોટા સાથેનું ઈન્કમટેક્ષ (PAN) ઓળખકાર્ડ, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, જાહેર સાહસો અથવા પબ્લીક લીમીટેડ કંપનીઓ તરફથી તેઓના કર્મચારીઓને આપવામાં આવેલ ફોટા સાથેના ઓળખકાર્ડ, કેન્દ્ર સરકાર/ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ સ્વતંત્રતા સૈનિકનાં ફોટા સાથેના ઓળખકાર્ડ, UIDAI દ્વારા આપવામાં આવેલ આધાર કાર્ડ સહિત વૈકલ્પીક અન્ય ૧૪ પુરાવાઓનો ઉપયોગ કરી શકાશે.

જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે અને ત્રણ જેટલા કિસ્સાઓમાં પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે. ચૂંટણી દરમિયાન પર્યાપ્ત માત્રામાં પોલીસ બંદોબસ્ત પણ ઉપલબ્ધ છે. આમ કહી કલેક્ટરએ પૂરતા પ્રયાસોથી શાંતિપૂર્વક મતદાન થશે એવી આશા વ્યક્ત કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande