
જૂનાગઢ, 24 એપ્રિલ (હિ.સ.) : લોકશાહીના પર્વ સમી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય અને લોકોમાં જાગૃતિ આવે તેવા ઉમદા હેતુથી, જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી જૂનાગઢના માર્ગદર્શન હેઠળ, આઈ.સી.ડી.એસ. (ICDS) શાખા, જૂનાગઢ દ્વારા મતદાન જાગૃતિ ગરબા' નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં બાળ વિકાસ યોજના અધિકારી મુખ્ય સેવિકા આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. પરંપરાગત ગરબાના માધ્યમથી મતદારોને લોકશાહીના આ મહાપર્વમાં પોતાનો અમૂલ્ય મત આપવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. તથા મતદાનનું મહત્વ સમજાવતા વિશેષ ગીતો અને પંક્તિઓ રજૂ કરવામાં આવી હતી.
મહિલાઓએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી રે આવી ચાલો મતદાન કરવા જઈએ રે”, મતદાન છે મહાદાન જેવા લોકપ્રિય ઢાળ પર આધારિત મતદાન જાગૃતિના ગીતો ગાઈને અચૂક મતદાનનો સંદેશ પ્રસરાવ્યો હતો. ગરબાના ગીતોમાં મતદાનનું મહત્વ વણી લઈને ઉપસ્થિત સૌ નાગરિકોને અપીલ કરવામાં આવી હતી કે, કોઈ પણ પ્રલોભન વગર અને નૈતિકતા સાથે અચૂક મતદાન કરવું.” તથા ઉપસ્થિત તમામ લોકોએ દેશના જવાબદાર નાગરિક તરીકે મતદાન કરવાની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર વી.એસ.દવે મેડમએ જણાવ્યું હતું કે, મહિલાઓ સમાજનું અભિન્ન અંગ છે. જો ઘરની મહિલા જાગૃત થશે, તો આખો પરિવાર મતદાન મથક સુધી પહોંચશે જ્યારે આંગણવાડીની બહેનો ગરબા જેવા સાંસ્કૃતિક માધ્યમથી મતદાન જાગૃતિનો સંદેશ ફેલાવે છે, ત્યારે તેનો પ્રભાવ છેવાડાના માનવી સુધી પહોંચે છે. સાથે જ દરેક મતદારને લોકશાહીમાં મળેલા મતાધિકારનો ઉપયોગ કરી, પોતાની ફરજ નિભાવે તે પણ ખૂબ જરૂરી છે.મતદાન જાગૃતિ ગરબા દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારના મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે દિશામાં જરૂરી પ્રયાસો કરવામાં આવ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ