
જૂનાગઢ, 24 એપ્રિલ (હિ.સ.) જિલ્લાના આઈ.સી.ડી.એસ. શાખા જિલ્લા પંચાયત દ્વારા માણાવદર ઘટકમાં સરદારગઢ સેજામાં, કેશોદ ઘટક ૨ ના કેવદ્રા અને મેસવાણ સેજામાં તથા વંથલી ઘટકના કણજા ૧ સેજામાં આંગણવાડી કેન્દ્રમાં “પૌષ્ટિક વાનગી સ્પર્ધા ૨૦૨૬” યોજાઇ હતી. જે અંતર્ગત ટી.એચ.આર. અને મિલેટસમાંથી વિવિધ વાનગી બનાવી નિદર્શન રાખવામાં આવ્યું હતું.
આંગણવાડીના લાભાર્થીઓને આપવામાં આવતું THR એ માત્ર રાશન નથી, પણ પોષણનો ખજાનો છે. છેવાડાના માનવી સુધી જાગૃતિ ફેલાવવાના ઉમદા આશયથી, કુપોષણ મુક્ત સમાજ બનાવવાના અને સ્થાનિક સ્તરે ઉપલબ્ધ પૌષ્ટિક તત્વોનો ખોરાકમાં ઉપયોગ વધારવાના ઉદેશથી સેજા કક્ષાએ “પૌષ્ટિક વાનગી સ્પર્ધા- ૨૦૨૬” નું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉપસ્થિત અધિકારીશ્રીઓએ આ પહેલને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે, આવા કાર્યક્રમો દ્વારા લોકો ટેક હોમ રાશનનો પણ યોગ્ય અને જરૂરી માત્રામાં યોગ્ય ઉપયોગ કરતા થશે. ગ્રામીણ વિસ્તારની માતાઓ અને બાળકોમાં પોષણનું સ્તર સુધારવામાં મોટી મદદ મળશે. આ તમામ સ્થળોએ આંગણવાડી કાર્યકરો અને સ્થાનિક મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમ પ્રોગ્રામ ઓફિસર આઈ.સી.ડી.એસ. શાખા, જિલ્લા પંચાયત, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ