ભરૂચ નગરપાલિકામાં ભાજપનું મુળીયુ જે પ્રમાણે 2007માં ઉખાડયું હતું તેનું પુનરાવર્તન 2026માં થશે?
- જીગ્નેશ બ્રહમભટ્ટ 2007માં ભાજપના બોર્ડને તોડયું હતું 9 મહિના માટે બન્યા હતા પ્રમુખ - નગરપાલિકા ચૂંટણી જંગ વોર્ડ નં. 8માં જિગ્નેશ બ્રહ્મભટ્ટની એન્ટ્રીથી રાજકીય ગરમાવો - શું 2007ના ઈતિહાસનું પુનરાવર્તન થશે તેવા અણસાર ભરૂચ, 24 એપ્રિલ (હિ.સ.) : ભ
ભરૂચ નગરપાલિકામાં ભાજપનું મુળીયુ જે પ્રમાણે 2007માં ઉખાડયું હતું તેનું પુનરાવર્તન 2026માં થશે?


- જીગ્નેશ બ્રહમભટ્ટ 2007માં ભાજપના બોર્ડને તોડયું હતું 9 મહિના માટે બન્યા હતા પ્રમુખ

- નગરપાલિકા ચૂંટણી જંગ વોર્ડ નં. 8માં જિગ્નેશ બ્રહ્મભટ્ટની એન્ટ્રીથી રાજકીય ગરમાવો

- શું 2007ના ઈતિહાસનું પુનરાવર્તન થશે તેવા અણસાર

ભરૂચ, 24 એપ્રિલ (હિ.સ.) : ભરૂચ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 8માં સર્જાયેલી નવી રાજકીય સમીકરણોએ સત્તાધારી પક્ષની ઉંઘ હરામ કરી દીધી છે. ટિકિટ વાંછુકોની નારાજગી અને ત્યારબાદ જિગ્નેશ બ્રહ્મભટ્ટનું કોંગ્રેસમાં જોડાણ હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે.

ભરૂચ નગર પાલિકા સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના માહોલ વચ્ચે નગર પાલિકાની ચૂંટણીમાં ત્રિપાંખીયા અને ચાર પાંખીયા જંગ જામ્યા છે. હાલમાં નગર પાલિકાની ચૂંટણીમાં કોગ્રેસ પણ મજબુતાઈથી લડી રહયું છે તો ભાજપ પણ અડીખમ હોય તેમ પ્રચાર પ્રસાર કરી રહયા હોય અને હાલની નગર પાલિકાની ચુંટણીમાં 2007નું પુનરાર્વતન ભરૂચ નગર પાલિકામાં હાલ 2026માં થઈ શકે તેવી શકયતાઓ પણ વર્તાઈ રહી છે.

ચૂંટણી અગાઉ ટિકિટ મેળવવાના પ્રયાસોમાં જ્યારે બંને પક્ષો તરફથી નિરાશા મળી, ત્યારે જિગ્નેશ બ્રહ્મભટ્ટે મોટો દાવ રમતા કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. માત્ર પોતે જ નહીં, પરંતુ પોતાની આખી પેનલને મેદાનમાં ઉતારીને તેમણે ચૂંટણી જંગને વધુ રસપ્રદ અને સંઘર્ષમય બનાવી દીધો છે. આ ઘટનાક્રમ બાદ, સત્તાધારી પક્ષના ઉમેદવારો માટે વોર્ડ નં. 8માં પ્રચાર-પ્રસાર કરવો એક મોટો પડકાર બની ગયો છે.

2007નો ડર, રાજકીય ગલિયારાઓમાં ચર્ચા

રાજકીય જાણકારોના મતે, જિગ્નેશ બ્રહ્મભટ્ટની આ વ્યૂહરચનાએ રાજકારણમાં એક નવો જ ડર પેદા કર્યો છે. વર્ષ 2007માં જે પ્રકારના સમીકરણો સર્જાયા હતા, તેનું પુનરાવર્તન થવાની ભીતિ હવે સત્તાધારી પક્ષને સતાવી રહી છે. આ વોર્ડમાં મતદારોનો ઝુકાવ કઈ તરફ રહેશે, તે અંગે અત્યારે તર્ક-વિતર્કનો દોર ચાલી રહ્યો છે.

રવિવારનું મતદાન અને 28મી એ પરિણામ

હવે સૌની નજર રવિવારે થનારા મતદાન પર ટકેલી છે. મતદાનની ટકાવારી જ નક્કી કરશે કે કયા પક્ષના ઉમેદવારોનું પલ્લું ભારે છે. 28 એપ્રિલે જ્યારે મતગણતરી થશે, ત્યારે જ સ્પષ્ટ થશે કે વોર્ડ નંબર 8નો તાજ કોના શિરે સજશે.

'તોડ-જોડ'ની રાજનીતિની શક્યતા

ચૂંટણી પરિણામો બાદ નગરપાલિકામાં ફરી એકવાર 'તોડ-જોડ'ની રાજનીતિ શરૂ થવાની શક્યતાઓ હાલના રાજકીય માહોલમાં વર્તાઈ રહી છે. જો કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી નહીં મળે, તો ફરી એકવાર ગઠબંધન કે ટેકાના નામે સોદાબાજીના દ્રશ્યો જોવા મળી શકે છે.

આ ચૂંટણી પરિણામો માત્ર વોર્ડ નંબર 8 માટે જ નહીં, પરંતુ સમગ્ર નગરપાલિકાની સત્તાની દિશા નક્કી કરવામાં નિર્ણાયક સાબિત થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande