
પાટણ, 25 એપ્રિલ (હિ.સ.) પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે ક્ષત્રિય દરબાર પરિવારો દ્વારા, શ્રી સતી માતા નાથબાઈ માતાની રમેલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગામ તથા બહારગામથી આવેલા શક્તિ ઉપાસકોએ માતાજીની ગાદી પરથી ગ્રામજનો અને ક્ષત્રિય પરિવારોને કુશળ મંગળના આશીર્વાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે તમામ કુવાસીઓને પ્રતિક ભેટ આપવામાં આવી અને શક્તિ ઉપાસકોનો આદર સત્કાર કરવામાં આવ્યો.
ગામના પરમાર, રાઠોડ, જાડેજા, ચાવડા અને રાજપૂત પરિવારો દ્વારા રમેલનો માંડવો રોપવામાં આવ્યો હતો. આ પ્રસંગે સનાજી દરબાર, ગલાબજી પરમાર, સુજલ ચાવડા, મહેન્દ્રસિંહ સોલંકી, ભોગીલાલ પ્રજાપતિ, મફાભાઈ ખટાણા સહિત અનેક શક્તિ ઉપાસકોએ દેવી શક્તિનું આહવાન કર્યું હતું અને ધાર્મિક ભાવનાથી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
શ્રી નાથબાઈ માતા એક ક્ષત્રિય વીરાંગના તરીકે જાણીતા છે, જેમણે વર્ષો પહેલાં બહારવટિયાઓ સામે લડતાં શહીદી વ્હોરી હતી. તેઓ સતી માતા અને લોકદેવી તરીકે પૂજાય છે. ગામમાં પ્રજાપતિ વાસ અને પીપળાવાસમાં માતાજીના મંદિરો આવેલાં છે, જે તેમની પ્રત્યેની અડગ શ્રદ્ધાનું પ્રતિક છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ