




પોરબંદર, 25 એપ્રિલ (હિ.સ.)પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનુ તા 26 એપ્રિલે મતદાન છે જેને અનુલક્ષીને પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા ખાતેના ડિસ્પેચિંગ સેન્ટરો પરથી ઈવીએમ બીયુ અને સીયુ (રીઝર્વ સહિત) અને જરૂરી ચૂંટણી સામગ્રી સાથે પોલિંગ સ્ટાફને નિયુક્ત મતદાન મથકો તરફ રવાના કરવામાં આવ્યા છે.જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ સમગ્ર પ્રક્રિયા સુવ્યવસ્થિત અને પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી હતી. પોલિંગ સ્ટાફને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી અને સુરક્ષા માટે કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં સૌથી વધુ 165 મતદાન મથકો આવેલા છે, જેના માટે 908 પોલિંગ સ્ટાફ અને 261 પોલીસ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે; અહીં 198 બીયુ અને 198 સીયુ ફાળવવામાં આવ્યા છે. પોરબંદર તાલુકાની જિલ્લા અને તાલુકા પંચાયત ચુંટણી હેઠળ 155 મથકો માટે 958 પોલિંગ સ્ટાફ અને 304 પોલીસ કર્મીઓ કાર્યરત રહેશે, જ્યારે ઈ.વી.એમ.માં 310બીયુ અને 310 સીયુની ફાળવણી કરાઈ છે.
રાણાવાવ તાલુકાની જિલ્લા અને તાલુકા પંચાયત માટે 61 મતદાન મથકો પર 392 પોલિંગ સ્ટાફ અને 94 પોલીસ સ્ટાફની નિમણૂક થઈ છે, જેમાં 146 બીયુ અને સીયુનો સમાવેશ થાય છે. તેવી જ રીતે કુતિયાણા તાલુકાની જિલ્લા અને તાલુકા પંચાયત અંતર્ગત 79 મથકો માટે 456 પોલિંગ સ્ટાફ અને 136 પોલીસ સ્ટાફ ફાળવવામાં આવ્યો છે, જ્યાં 172 બીયુ અને સીયુનો ઉપયોગ કરવામાં આવશે.
રાણાવાવ નગરપાલિકામાં 6 મતદાન મથકો માટે 33 પોલિંગ સ્ટાફ અને 13 પોલીસ સ્ટાફ સાથે 8 બીયુ અને સીયુ ફાળવ્યા છે. જ્યારે કુતિયાણા નગરપાલિકામાં 3 મતદાન મથકો પર 17 પોલિંગ સ્ટાફ અને 6 પોલીસ સ્ટાફ ફરજ બજાવશે, જેના માટે કુલ 4 બીયુ અને 4 સીયુ (રીઝર્વ સહિત) ફાળવવામાં આવ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya