
ગૌહાટી, નવી દિલ્હી, 25 એપ્રિલ (હિ.સ.): આસામના કામરૂપ જિલ્લાના અમીનગાંવમાં પોલીસે ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરતા આશરે 7 કરોડ રૂપિયાના માદક પદાર્થ સાથે ચાર મહિલાઓ સહિત પાંચ તસ્કરોની ધરપકડ કરી છે. પોલીસ પાંચેય તસ્કરોની સઘન પૂછપરછ કરી રહી છે.
આસામ પોલીસ મુખ્ય મથકના સીપીઆરઓએ શનિવારે જણાવ્યું હતું કે, ગુપ્ત માહિતીના આધારે પોલીસે મણિપુરના ચુરાચંદપુરના રહેવાસી અને માદક પદાર્થોની તસ્કરીમાં સામેલ ડેમથાંગ હાઓકિપ (36) ને તેની અન્ય ચાર મહિલા તસ્કરો સાથે અમીનગાંવમાં ઝડપી પાડ્યો હતો. ચારેય મહિલાઓ અમીનગાંવમાં નશીલા પદાર્થોની ડિલિવરી આપવા માટે પહોંચી હતી, જ્યાંથી તેને નીચલા આસામના વિવિધ જિલ્લાઓમાં મોકલવાની હતી.
મહિલા માદક પદાર્થ તસ્કરો પાસેથી હેરોઈન ભરેલી પ્લાસ્ટિકની 62 સાબુદાની મળી આવી છે. હેરોઈનનું વજન (સાબુદાની વગર) 837 ગ્રામ હોવાનું જાણવા મળ્યું છે. નશીલા પદાર્થની અંદાજિત બજાર કિંમત 7 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.
ધરપકડ કરાયેલી મહિલા તસ્કરોની ઓળખ લામ નેઈકિમ (25, ચુરાચંદપુર, મણિપુર), હોઈનેઈગાહ (24, ચુરાચંદપુર, મણિપુર), કિમ નેઈથેન (36, ચુરાચંદપુર, મણિપુર) અને નગાહ પી (30, ચુરાચંદપુર, મણિપુર) તરીકે કરવામાં આવી છે. પોલીસ આ સંબંધમાં એફઆઈઆર નોંધીને વધુ તપાસ કરી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / અરવિંદ રાય / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ