
નવસારી, 25 એપ્રિલ (હિ.સ.) : નવસારી જિલ્લાના ચીખલી વિસ્તારમાં માનવતાનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે, જ્યાં પોલીસે એક ભટકતા યુવાનને તેની પરિવાર સાથે ફરીથી મળાવ્યો છે. ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લાના વતની આરીફ બિલાલ મલેક રોજગારી માટે લગભગ દોઢ વર્ષ પહેલાં દુબઈ ગયો હતો, પરંતુ ત્યાં તેની માનસિક સ્થિતિ બગડતા તેને ભારત પરત મોકલવામાં આવ્યો હતો.
ભારતમાં પરત આવ્યા બાદ કોઈ અજાણ્યા વ્યક્તિએ તેને ઘરે જવા માટે ટ્રેનમાં બેસાડ્યો હતો, પરંતુ માનસિક અસ્વસ્થતાને કારણે તે પોતાનાં વતન સુધી પહોંચી શક્યો નહીં અને રસ્તો ભૂલીને નવસારી જિલ્લાના ઘેજ વિસ્તારમાં આવી ગયો હતો. ત્યાં તે અસ્થિર હાલતમાં ભટકતો જોવા મળ્યો હતો.
ચીખલી પોલીસને આ યુવાન મળી આવતા, તેમણે તેની સાથે સંવેદનશીલતા દાખવી પૂછપરછ કરી અને જરૂરી માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો. પરિવારનો સંપર્ક ન થાય ત્યાં સુધી પોલીસે ચાર દિવસ સુધી તેની રહેવાની, ખાવા-પીવાની અને દેખરેખની સંપૂર્ણ જવાબદારી ઉઠાવી હતી.
અંતે પોલીસને મળેલી માહિતીના આધારે ઉત્તર પ્રદેશ પોલીસ સાથે સંપર્ક સાધીને આરીફના પરિવારજનોને શોધી કાઢ્યા હતા. પિતા અને કાકા ચીખલી પહોંચી જતા લાંબા સમય પછી પુત્રને સુરક્ષિત જોઈને ભાવુક થઈ ગયા હતા. પોલીસ દ્વારા વિધિવત રીતે યુવાનને પરિવારને સોંપવામાં આવતા, પરિવારજનોએ ગુજરાત પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે