સશસ્ત્ર સુરક્ષા સાથે રિસિવીંગ-ડિસ્પેચીંગ સેન્ટરો પરથી EVM મશીન સહિત ચૂંટણી સામગ્રીનું વિતરણ સંપન્ન
સુરત, 25 એપ્રિલ (હિ.સ.) લોકશાહીના પાયાના એકમ સમાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને આદર્શ આચારસંહિતાના પાલન સાથે મુક્ત, ન્યાયી અને અત્યંત શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજવા માટે સુરત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અ
Surat


સુરત, 25 એપ્રિલ (હિ.સ.) લોકશાહીના પાયાના એકમ સમાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને આદર્શ આચારસંહિતાના પાલન સાથે મુક્ત, ન્યાયી અને અત્યંત શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજવા માટે સુરત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો. સૌરભ પારઘીના માર્ગદર્શન હેઠળ વહેલી સવારથી જ સુરત શહેર સહિત જિલ્લાના વિવિધ નિયત કરાયેલ રિસિવીંગ અને ડિસ્પેચીંગ સેન્ટરો પરથી સઘન પોલીસ સુરક્ષા સાથે ચૂંટણીલક્ષી સામગ્રીના વિતરણની કામગીરી સુચારૂ રીતે પૂર્ણ કરવામાં આવી હતી.

સુરત શહેર સહિત જિલ્લાના વિવિધ ડિસ્પેચીંગ સેન્ટરો પરથી પ્રત્યેક મતદાન મથક દીઠ ફાળવવામાં આવેલા EVM મશીન, મતદાન માટેની આવશ્યક સ્ટેશનરી કિટ, મતદાર યાદી, અન્ય જરૂરી ફોર્મ્સ સહિતની ‘ચૂંટણી કીટ’ અને ખાસ કરીને આંગળી પર લગાવવાની અમિટ શાહીના ખડિયા સહિતની તમામ સામગ્રીનું ઝીણવટભર્યું ચેકિંગ કરી પોલીંગ સ્ટાફને સોંપવામાં આવી હતી.

જિલ્લા ચૂંટણી અધિકારી ડો. સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાય અને મતદાનના દિવસે કોઈ પણ તકનીકી ખામી ન સર્જાય તે માટે પ્રત્યેક કેન્દ્ર પર ખાસ નિરીક્ષકો તૈનાત કરવામાં આવ્યા છે. EVM મશીનોના સીલીંગથી લઈને તેના સુરક્ષિત વહન માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથેના વાહનોની વ્યવસ્થા કરવામાં આવી હતી.

પોલીંગ ઓફિસરો અને પ્રિસાઇડિંગ ઓફિસરોને સામગ્રી સ્વીકારતી વખતે રાખવાની તકેદારી અંગે આખરી સૂચનાઓ આપવામાં આવી હતી. ડિસ્પેચીંગ સેન્ટરો પર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા સઘન ચેકિંગ અને સુરક્ષા ગોઠવવામાં આવી હતી. પોલીંગ કર્મચારીઓ પોતપોતાના નિયત કરાયેલા મતદાન મથકો પર પહોંચી ગયા હતા. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારોને પણ વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરી લોકશાહીના આ પર્વને સફળ બનાવવા અનુરોધ કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande