
વડોદરા, 25 એપ્રિલ (હિ.સ.) વડોદરા સહિત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ આવતી કાલે મતદાન યોજવા જઈ રહ્યું છે, 26મી એપ્રિલના રોજ યોજાનારા મતદાન પૂર્વે આજે વડોદરા જિલ્લામાં ચૂંટણીલક્ષી સામગ્રી અને ઇવીએમ મશીનોના વિતરણની પ્રક્રિયા ખૂબ જ આયોજનબદ્ધ રીતે શરૂ કરવામાં આવી છે. આવતીકાલે સવારથી મતદાન પ્રક્રિયાનો આરંભ થશે ત્યારે આજે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.
શહેર જિલ્લામાં વિવિધ સેન્ટરો પર EVMની ફાળવણી કરવામાં આવી રહી છે. ત્યારે કરજણ ખાતે ઈવીએમ વિતરણ કામગીરી દરમ્યાન એક કર્મચારી અચાનક ઢળી પડ્યો હતો. જો કે હાજર મેડિકલ ટીમે મોરચો સંભાળી તાત્કાલિક સારવાર આપતા સ્થિતિમાં સુધારો થયો હતો.
હાલમાં ચૂંટણીના માહોલ વચ્ચે ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે ત્યારે આ કાળઝાળ ગરમીમાં વહીવટી તંત્ર દ્વારા મંડપ અને કૂલર સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. છતાં ગરમીના કારણે કોઈ કર્મચારી બીમાર થાય તો વહીવટી તંત્ર દ્વારા મેડિકલ ટીમો તૈનાત રાખવામાં આવી છે.
કરજણ ખાતે કામગીરી દરમ્યાન એક કર્મચારી બેભાન થતા તાત્કાલિક સ્થળ પર હાજર મેડિકલ ટીમે પ્રાથમિક સારવાર આપી 108 મારફતે હોસ્પિટલ ખાતે રવાના કરવામાં આવ્યો હતો. જો કે તેઓની સ્થિતિ સારી હોવાનું જાણવા મળ્યું છે.
વડોદરા જિલ્લાના કરજણ જિલ્લા પંચાયત વિસ્તારના મતદાન મથકો માટે કરજણ તાલુકા સેવા સદન ખાતે રિસિવિંગ અને ડીસ્પેચ સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે. જ્યાં 12 જેટલા ટેબલો મારફતે ઇવીએમ મશીન, નોટિસ બોર્ડ, વિવિધ ફોર્મ, તેમજ અન્ય ચૂંટણીલક્ષી સામગ્રીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
વિવિધ ટીમો દ્વારા સામગ્રી મેળવ્યા બાદ યોગ્ય ચકાસણી કરી પોતાના ફાળવેલા મતદાન કેન્દ્રો ખાતે જવા રવાના થયા હતા. નોંધનીય છે કે, વડોદરા જિલ્લા તંત્ર દ્વારા 18 જેટલા રિસિવિંગ અને ડીસ્પેચ સેન્ટરો મારફત સુઆયોજનના ભાગરૂપે તમામ ટીમોને વ્યવસ્થિત રીતે સામગ્રી વિતરણની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આવતી કાલે મતદાન છે તો બીજી તરફ ગરમીનો પારો પણ વધવાની શક્યતાઓ છે. ત્યારે મતદાન કેન્દ્રો પર વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વડોદરામાં 2406 જેટલા મતદાન કેન્દ્રો છે, જેના પર 21 લાખથી વધુ મતદારો મત આપવા જશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ