


ગાંધીનગર, 25 એપ્રિલ (હિ.સ.) સર્વ વિદ્યાલય કેળવણી મંડળ – કડી ગાંધીનગર સંચાલિત કડી સર્વ વિશ્વ વિદ્યાલય સંલગ્ન સી.એમ. પટેલ કોલેજ ઓફ નર્સિંગ અને કે.એસ.વી. એન.એસ.એસ. સેલના સંયુક્ત ઉપક્રમે આરોગ્ય આહાર 2026 કાર્યક્રમ “સ્વાસ્થયનો સ્વાદ” વિષય પર સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
સર્વ વિદ્યાલય કેળવણી મંડળ ચેરમેન અને કડી સર્વ વિશ્વ વિદ્યાલયના પ્રેસિડેન્ટ વલ્લભ એમ.પટેલ સરના માર્ગદર્શન અને દીર્ધદ્રષ્ટિ થી આ કાર્યક્રમનું ઉદઘાટન કે.એસ.વી. એન.એસ.એસ. સેલના પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર ડો.ધર્મેન્દ્રસિંહ રાઠોડ તથા જાયકા કિચનના નિષ્ણાત જીજ્ઞાબેન સોની, કોલેજના પ્રિન્સીપાલ ડો.રાજેશ રાવલ તથા વા.પ્રિ.ભાવીષા પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ તથા સમાજમાં પોષણયુક્ત આહાર વિશે જાગૃતિ ફેલાવવાનો હતો. આજના વ્યસ્ત જીવનમાં લોકો ફાસ્ટ ફૂડ તરફ વધુ આકર્ષાય છે, જેના કારણે સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓ ઉભી થાય છે. આ પરિસ્થિતિમાં સંતુલિત અને પોષણયુક્ત આહારનું મહત્વ સમજાવવું સમયની જરૂરિયાત છે.ભારત સરકારના પોષણ અભિયાન અંતર્ગત સ્વસ્થ સમાજના નિર્માણ માટે જાગૃતિ લાવવા ઉજવાતા પોષણ પખવાડિયા નિમિત્તે પણ આ અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આ પખવાડિયામાં યોગ્ય પોષણયુકત આહાર દ્વારા, માતા અને બાળ આરોગ્ય માટે સંતુલિત આહાર વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે જુદા જુદા 20 ફૂડ સ્ટોલ બનાવવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન નિષ્ણાત વક્તાઓ દ્વારા સ્વસ્થ આહારના મૂળભૂત તત્ત્વો, દૈનિક જીવનમાં પોષણયુક્ત ખોરાકનો સમાવેશ કેવી રીતે કરવો તેમજ જીવનશૈલીમાં સુધારા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું અને સ્વસ્થ જીવનશૈલી તરફ આગળ વધવા માટે મહત્વપૂર્ણ સંદેશ પ્રસરાવ્યો હતો.“સ્વસ્થ શરીર, સ્વસ્થ મગજ – પોષણ છે જીવનનો આધાર” આ અવસરે તમામ નાગરિકોને પોતાના દૈનિક જીવનમાં પોષણયુક્ત આહાર અપનાવે અને અન્ય લોકોને પણ પ્રેરિત કરે. વિદ્યાર્થીઓએ વિવિધ પોષણયુક્ત વાનગીઓનું પ્રદર્શન પણ કર્યું, જેના દ્વારા ઉપસ્થિત લોકોને સ્વસ્થ ખોરાકની સમજ વધુ સ્પષ્ટ બની. પ્રથમ, દ્વિતીય તેમજ તૃતીય વિજેતાને ઇનામ પણ આપવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં કોલેજના સ્ટાફ સભ્યો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે એન.એસ.એસ. સ્વયંસેવકો દ્વારા ઉત્સાહભેર સહયોગ આપવામાં આવ્યો.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ