
જામનગર, 25 એપ્રિલ (હિ.સ.) જામનગર જિલ્લામાં નિર્ભય અને શાંતિપુર્ણ વાતાવરણમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે પોલીસ અને વહીવટી તંત્ર કટિબધ્ધ છે. ત્યારે આજે તા.24 ના રોજ રાજકોટ રેન્જ ડી.આઈ.જી.નિર્લિપ્ત રાય ફરી એક વખત જામનગરની મુલાકાતે આવ્યા હતા અને તેઓએ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું અને ગુજસીટોકના બે આરોપીઓ જ્યાંથી ચૂંટણી લડી રહ્યા છે તેવા વોર્ડ નં.12 ના વિસ્તારની મુલાકાત લઇ વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
નિર્લિપ્ત રાયએ જામનગરમાં ઇવીએમ મશીન સ્ટોર રૂમ, સંવેદનશીલ મતદાન મથકો અને સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત વેળાએ ઓશવાળ સેન્ટર ખાતે ઇવીએમ ડિસ્પેચ મશીન અને સ્ટ્રોંગ રૂમનું નિરીક્ષણ કરી વ્યવસ્થામાં કોઈ ક્ષતિ ન રહે તે માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને કડક સૂચનાઓ આપી હતી.
વધુમાં જામનગર એસપી ડો. રવિ મોહન સૈની, શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, તેમજ એસઓજી અને એલસીબી પોલીસ મહત્વની બેઠક કરી બેઠકમાં ચૂંટણી લક્ષી પોલીસ બંદોબસ્તના આયોજન અને સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ, અસામાજિક તત્વો પર વોચ રાખવા જેવા મુદ્દાઓ ચર્ચાયા હતા. આ ઉપરાંત 15 જેટલી પોલીસ ગાડીઓના વિશાળ કાફલા સાથે નિર્લિપ્ત રાયએ ગુજસીટોકના જે બે આરોપીઓ ચૂંટણી જંગમાં છે .
તેવા સંવેદનશીલ વોર્ડ નં.12.ની મુલાકાત લઇ શાંતિ વિસ્તારના આવારાતત્વોને શાનમાં સમજી જવાનો સંદેશ આપ્યો હતો. જ્યાં અલગ અલગ મતદાન મથકોનું સ્થળ નિરીક્ષણ કરી વ્યવસ્થા જાણી અને સ્ટાફને જરૂરી સૂચના આપી હતી. જેને લઈને આવારાતત્વોમાં સોંપો પડી ગયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt