
પાટણ, 25 એપ્રિલ (હિ.સ.)પાટણની ત્રીજી એડિશનલ સેશન્સ અદાલતે બાળ તસ્કરી અને છેતરપિંડીના ગંભીર કેસમાં, સબજેલમાં બંધ શિલ્પાબેન ભેમાભાઇ ઠાકોરની 15 દિવસની વચગાળાની જામીન અરજી નામંજૂર કરી. અદાલતે નોંધ્યું કે, આરોપો ગંભીર છે અને રજૂ કરાયેલા કારણો જામીન માટે પૂરતા નથી.
કેસ મુજબ, સાંતલપુરના ડો. સુરેશભાઇ ઠાકોરે ફરિયાદી પાસેથી રૂ. 1.20 લાખ લઈને બાળક આપ્યું હતું. ખોટું જન્મ પ્રમાણપત્ર બનાવવું અને છેતરપિંડી કરવા બદલ પાટણ બી-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો છે. આ મામલે વિવિધ કાયદાકીય કલમો હેઠળ શિલ્પાબેન હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
આરોપીની તરફથી દલીલ કરવામાં આવી કે, તેઓ અપરિણીત છે અને તેમના 70 વર્ષીય પિતાના ઓપરેશન તથા ભત્રીજાના લગ્ન માટે તેમની હાજરી જરૂરી છે, તેથી 15 દિવસના જામીન આપવામાં આવે.
સરકારી વકીલે વિરોધ નોંધાવી જણાવ્યું કે, ગુનો ગંભીર છે અને પિતાના ઓપરેશન માટે કોઈ તાત્કાલિક સમયગાળો નક્કી નથી. અદાલતે પણ આ દલીલ માન્ય રાખી, જણાવ્યું કે પરિવારના અન્ય સભ્યો જવાબદારી નિભાવી શકે છે, તેથી જામીન આપવો યોગ્ય નથી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ